યુપીમાં ફરી લંબાવાયું લોકડાઉન, હવે ૧૦ મે સુધી લાગુ રહેશે પ્રતિબંધો

(જી.એન.એસ)લખનઉ,ઉત્તર પ્રદેશમાં લોકડાઉનનો સમય લંબાવી દેવામાં આવ્યો છે. હવે ૧૦ મે એટલે કે સોમવારે સવારે ૭ઃ૦૦ વાગ્યા સુધી સમગ્ર પ્રદેશમાં લોકડાઉન લાગુ રહેશે. પહેલા ગુરૂવાર એટલે કે, ૬ મે સવારે ૭ઃ૦૦ વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા પરંતુ હવે સોમવાર સવાર સુધી પ્રતિબંધો લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના કહેવા પ્રમાણે લોકડાઉન દરમિયાન જે છૂટ મળી છે તે શરતી રીતે લાગુ રહેશે.હકીકતે ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસની સંખ્યા ખૂબ જ વધી રહી છે. પંચાયતની ચૂંટણી બાદ ઉત્તર પ્રદેશના દરેક ગામમાં સંક્રમણનું જોખમ વર્તાઈ રહ્યું છે. આ કારણે સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. જો કે, પહેલા જે આદેશ આવ્યો હતો તેના પ્રમાણે ગુરૂવારે સવારે ૭ઃ૦૦ વાગ્યાથી શુક્રવારે રાતના ૮ઃ૦૦ વાગ્યા સુધી બજાર ખોલવાના હતા.હવે સરકારે આખા સપ્તાહ માટે લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. મતલબ કે સોમવારે સવારે ૭ઃ૦૦ વાગ્યા સુધી સમગ્ર પ્રદેશમાં લોકડાઉન લાગુ રહેશે. સરકારે તમામ જિલ્લા પ્રશાસનને ગામડાઓમાં વેક્સિનેશન અને સેનિટાઈઝેશન ઝડપી કરવા નિર્દેશ આપ્યો છે. લોકડાઉન દરમિયાન આવશ્યક વસ્તુઓ, દવાની દુકાન સહિતનો ઈ-કોમર્સ પુરવઠો ચાલુ રાખવામાં આવશે.