યુપીમાં ગોઝારો અકસ્માત : ૧૭ના મોત

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં બુધવારે સવારે એક ગોઝારા અકસ્માતમાં ૧૭ લોકોના મોત નીપજ્યા છે અને ત્રીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.આ અકસ્માત રાજસ્થાનના જયપુરથી ગુરસહાયગંજ જઈ રહેલી એક ટૂરિસ્ટ બસ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા સર્જાયો હતો.
મૈનપુરીના દન્નાહારની કીરતપર ચોકી પાસે અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે.આ પહેલા બે દિવસ પહેલા યુપીના આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર દુર્ઘટના સર્જાઈ હતી. સોમવારે સવારે એક્સપ્રેસવે પર ક્ન્નોજ પાસે રોડવેઝની બસે સાત લોકોને કચડી નાખ્યા હતા.ભોગ બનનારા લોકોમાં છ સ્ટૂડન્ટ્‌સ અને એક શિક્ષકનો સમાવેશ થતો હતો. આ સાતેય લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ લોકો વાહન ખરાબ થવાને કારણે એક્સપ્રેસવે પર ઉભા હતા અને ત્યારે ઝડપથી આવી રહેલી બસે તેમને પાછળતી ટક્કર મારીને કચડી નાખ્યા હતા.આ તમામ લોકો સંત કબીરનગરના હતા. દુર્ઘટના બાદ સરકારે મૃતકોના પરિવારજનો માટે બે-બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને પચાસ-પચાસ હજાર રૂપિયાની મદદનું એલાન કરવામાં આવ્યું હતું.