યુપીની પાંચ દીકરીઓ મોદી સાથે કરશે યોગ

હરદોઈઃ આગામી ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દિલ્હીમાં યોજાનારા યોગ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉત્તર પ્રદેશના હરદોઈ ખાતેના કાસિમપુર ગામની પાંચ દીકરીઓને યોગ કરવાનો લાભ મળશે.
આ કાર્યક્રમમાં મોદી સાથે જેમને યોગ કરવાની તક મળી છે તેમાં જાહ્નવી વર્મા, અનુ વર્મા, સુભાષિની, આકાંક્ષા મૌર્ય અને શબનમનો સમાવેશ થાય છે. આ તમામ છોકરીઓની રાજ્ય સ્તરની સ્પર્ધા બાદ પસંદગી કરવામાં આવી છે. ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલયની આ પુત્રીઓને અભ્યાસ સાથે શાળામાં જ શિક્ષકો દ્વારા યોગ શીખવવામાં આવ્યા હતા, જેમાં ગત માર્ચમાં આ તમામ દીકરીઓએ રાજ્ય સ્તરની યોગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. શિક્ષક પરશુરામ વર્માએ જણાવ્યું કે આ સ્પર્ધામાં ૧૧ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો, જેમાં આ પાંચ વિદ્યાર્થિનીએ શ્રેષ્ઠ દેખાવ કરતાં તેમને આવી તક મળી છે. આવી તક મેળવનારી અનુ અને જાહ્નવી સગી બહેનો છે, જેઓની હવે રાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ તરફથી યોજાયેલી યોગ ઓલિમ્પિયાડ માટે પસંદગી થઈ છે અને તેઓ ૧૮ થી ૨૦ જૂન તેમાં ભાગ લેશે અને બાદમાં ૨૧ જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં યોગ કરશે. જિલ્લા પ્રભારી આર. પી. ત્રિપાઠીએ જણાવ્યું કે ૧૫ જૂને વ્યાયામ શિક્ષિકા આ તમામ દીકરીઓને લઈને દિલ્હી જશે. તેમણે વધુમાં જણાવ્યું કે શાળામાં જ યોગ શીખીને આ દીકરીઓએ સમગ્ર રાજ્યમાં સારી નામના મેળવી છે. તેથી તે રાષ્ટ્રીય સ્તરે પણ સારો દેખાવ કરશે.