યુપીના ફરૂખાબાદમાં ગોરખપુર પાર્ટ-ટુ : ૪૯ બાળકોના મોત

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્થિત બીઆરડી હોસ્પિટલમાં બાળકોના મોત બાદ હવે ફરુખાબાદની હોસ્પિટલમાં પણ આવો જ મામલો સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં ફરુખાબાદ સ્થિત ડો.રામમનોહર લોહિયા રાજકીય સયુક્ત ચિકિત્સાલયમાં ૪૯ બાળકોના મોત થઈ ચૂક્યા છે. તપાસ  રિપોર્ટમાં આ બાળકોના મોતના કારણ ઓક્સિજન કે દવાઓનો અભાવ તથા ઈલાજમાં બેદરકારી દર્શાવવામાં આવ્યાં છે.ફરુખાબાદના એસપી દયાનંદ મિશ્રાએ જણાવ્યું કે આ મામલે સીએમઓ, સીએમએસ અને લોહિયા હોસ્પિટલના કેટલાક ડોક્ટરો વિરુદ્ધ કેસ નોંધી લેવાયો છે. આગળની કાર્યવાહી તપાસ પ્રક્રિયાના આધારે કરવામાં આવશે. જિલ્લા પ્રશાસનના તપાસ
રિપોર્ટમાં ખુલાસો થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે મીડિયામાં બાળકોના મોતના અહેવાલો આવ્યાં બાદ મુખ્યમંત્રી કાર્યાલયે જિલ્લા પ્રશાસન પાસે રિપોર્ટ માંગ્યો હતો. ત્યારબાદ ડીએમ રવિન્દ્રકુમારે તરત
પહેલ કરતા મુખ્ય ચિકિત્સા અધિક્ષક પાસે આ મોતો પર રિપોર્ટ માંગ્યો.તપાસ દરમિયાન અધિકારીઓએ એસએનસીયુ વોર્ડની મુલાકાત લીધી અને પરિજનો સાથે વાત કરી. પરિજનોએ અધિકારીઓને જણાવ્યું કે અનેક બાળકોના મોત ઓક્સીજનના અભાવે થયા.કેટલાક કેસોમાં કથિત રીતે ડોક્ટરોની બેદરકારી પણ સામે આવી. આવા સંજોગોમાં તપાસ રિપોર્ટના આધારે ડીએમ રવિન્દ્રકુમારે એફઆઈઆરના આદેશ આપ્યાં.અત્રે જણાવવાનું કે તાજેતરમાં ગોરખપુરના બાબા રાઘવ દાસ BRD મેડિકલ કોલેજમાં કથિત રીતે ઓક્સીજનના અભાવે અનેક બાળકોના મોતથી યુપી સરકાર સવાલોના ઘેરામાં આવી ગઈ હતી. BRD મેડિકલ કોલેજ પાસેથી મળેલી માહિતી મુજબ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ૧૫૨ બાળકોના મોત થયા, ફેબ્રુઆરીમાં ૧૨૨, માર્ચમાં ૧૫૯, એપ્રિલમાં ૧૨૩, મે મહિનામાં ૧૩૯, જૂનમાં ૧૩૭, જુલાઈમાં ૧૨૮ અને ઓગસ્ટમાં ૩૨૫ બાળકોના મોત થયા હતાં. સપ્ટેમ્બરના પહેલા બે દિવસમાં ૩૨ મોત થઈને કુલ આ વર્ષે મેડિકલ કોલેજમાં ૧૩૧૭ બાળકોના મોત થયા છે.