યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરાયું

હડપ્પીય નગર તરીકે ધોળાવીરાનું વિશેષ મહત્વ : ૧૯૯૧-૯૨માં પદ્મશ્રી આર.એન. બિસ્ટ દ્વારા ઉત્ખનન કરી ઉકેલાયા હતા રહસ્યો : ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ થતા ખડીર વિસ્તારને પ્રવાસન ક્ષેત્રે મળશે વેગ

ભુજ : ચીનમાં યોજાયેલ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ વિરાસત સ્થળોની યાદી જાહેર કરાઈ છે. જેમાં ભારતને ફરી સફળતા મળી છે. પ્રથમ તેલંગાણાનું રામપ્પા મંદિર દેશની ૩૯મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું હતું. જ્યારે હવે ધોળાવીરાને પણ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવવાની ઘોષણા કરાઈ છે. ઘડુલી – સાંતલપુર રસ્તાને કારણે ધોળાવીરાને પર્યટન સ્થળ તરીકે સારૂ એવું પ્રોત્સાહન મળી રહે તેમ છે. યુનેસ્કોએ શનિવારથી વિવિધ દેશોના વિશ્વ વિરાસત સ્થળનાં નામો જાહેર કરવાની શરૂઆત કરી હતી. જેમાં રામપ્પા મંદિરની ઘોષણા રવિવારે કરાઈ હતી. તેની સાથે પ્રધાનમંત્રીએ પણ દેશને આ અંગે જાણકારી આપીને ખુશી વ્યક્ત કરી હતી. યુનેસ્કોએ જાહેર કર્યું છે કે, ૨૮મી જુલાઇ સુધી વિવિધ સાઇટ અંગે ચર્ચા ચાલુ રહશે. તે દરમિયાન મંગળવારે ધોળાવીરાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.નોંધનીય છે કે, રામપ્પા મંદિરનું નામ સરકારે વર્ષ ૨૦૨૦ માટે મોકલ્યું હતું. ૨૦૨૧માં સરકારે ધોળાવીરાનું નામ મોકલ્યું હતું. ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરવા યુનેસ્કો દ્વારા વિચાર-વિમર્શ કર્યા બાદ વિધિવત જાહેરાત કરાઈ છે. કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના વડા ડોક્ટર મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, સિંધુ સભ્યતાના સૌથી મોટાં નગરોમાં સામેલ થતું ધોળાવીરા એક મહત્વનું પ્રાચિન નગર છે. લગભગ ત્રણ દાયકા પહેલાં થયેલા ઉત્ખનન કાર્ય બાદ ધોળાવીરાનાં અનેક રહસ્યો બહાર આવવા લાગ્યાં હતાં. ડોક્ટર આર.એન. બિસ્ટ દ્વારા ૧૯૯૧-૯૨માં ધોળાવીરામાં સંશોધન કાર્ય કરાયું હતું. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૦માં યુનેસ્કોને ધોળાવીરાનું ડોઝિયર મોકલવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચારેક માસ પહેલાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીએ ધોળાવીરાની મુલાકાત કરી હતી. જેમાં ધોળાવીરાની આસપાસ ભૂસ્તરીય મહત્વનાં સ્થળો કેવી રીતે વિકસાવી શકાય, અને તેનું મહત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે કેવું છે, એ વિશે કહેવામાં આવ્યું હતું. ધોળાવીરા હવે જ્યારે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયું છે. ત્યારે ધોળાવીરાને સૌથી નજીકથી જાણનાર અને વિશ્વને આ પુરાતત્વીય શહેરથી રૂબરૂ કરાવનાર પદ્મશ્રી પુરાતત્વવિદ્દ આર.એન. બિસ્ટ આ જાહેરાતથી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. અને ૯૦ના દાયકામાં તેમણે પોતે કેવી રીતે ધોળાવીરાના એક પછી એક રહસ્યને ઉજાગર કર્યાં તેની વિસ્તૃત માહિતી આપી હતી.ધોળાવીરા અન્ય હડપ્પીય શહેરથી અનેક રીતે મહત્વપૂર્ણ છે. વિશ્વ વિરાસત સ્થળ બનતાં કચ્છ તેમજ ખડિર વૈશ્વિક નકશા પર આવી જશે, અને પ્રવાસનની નવી જ તકો અહીં ઊભી થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરી વ્યક્ત કર્યો આનંદ

ભુજ : ખડીર બેટમાં આવેલા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં સમાવેશ કરાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને આનંદ વ્યક્ત કર્યો હતોે. એમણે ધોળાવીરાની હડપ્પા યુગની તસવીરોને પોસ્ટ કરીને લખ્યું હતું કે, ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રસ ધરાવનાર લોકોએ ધોળાવીરાની મુલાકાત લેવી જ જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ધોળાવીરાની મુલાકાત તેઓએ લીધી હતી અને આ સ્થળના વિકાસ માટે તેમણે જે-તે વખતે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટની ફાળવણી કરીને આ સ્થળના વિકાસ માટેના પ્રયાસો કર્યા હતા. ધોળાવીરાનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે માટે તેઓએ પ્રયત્નો કરીને આ ખડીર વિસ્તારના પ્રવાસનને વેગ આપવા પગલાંઓ લીધા હતા, તો વડાપ્રધાન બન્યાના ગણતરીના દિવસોમાં જ ઘડુલી-સાંતલપુર માર્ગની મંજૂરી આડેની અડચણો દુર કરીને આ માર્ગના કામ માટે અવરોધરૂપ મંજૂરીઓ સત્વરે આપીને માર્ગનું કામ શરૂ કરાવ્યું હતું, જે હાલના તબક્કે પૂર્ણતાના આરે છે. આ માર્ગ શરૂ થઈ ગયા બાદ ધોળાવીરાના પ્રવાસનને વધુ વેગ મળશે.કેન્દ્રના સાંસ્કૃતિક પ્રધાન જી. કિશન રેડ્ડીએ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે, ધોળાવીરાએ વર્લ્ડ હેરિટેઝ સ્થળોની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તેથી આજનો દિવસ ભારત તથા ખાસ કરીને ગુજરાતની જનતા માટે ગર્વનો દિવસ છે. આ યાદીમાં ભારતના ૪૦ સ્થળો સામેલ છે. ૨૦૧૪ની સાલથી આ યાદીમાં ભારતના ૧૦ નવા સ્થળોનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ ટ્‌વીટ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, હર્ષની વાત છે કે ગુજરાતના ધોળાવીરાના હડપ્પા યુગના અવશેષોનો યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર તરીકે સ્વીકાર કરાયો છેે. ભારતીય ઉપમહાદ્વીપમાં વિકસિત હડપ્પા સભ્યતાની સમૃદ્ધ સંસ્કૃતિનું આ પ્રમાણ છે.

ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઇટ જાહેર કરાતા કચ્છના રાજકીય – સામાજિક અગ્રણીઓએ આવકારી ખુશી વ્યક્ત કરી 

ભુજ : કચ્છના ખડીર બેટમાં પ હજાર વર્ષ પૂર્વેના હડપ્પીયન સંસ્કૃતિના અવશેષોને સાચવીને બેઠેલા ધોળાવીરાને યુનેસ્કો દ્વારા હેરિટેજ સુચીમાં સામેલ કરવામાં આવ્યું છે. કચ્છના ખડીર રણ વિસ્તારમાં વસેલું ધોળાવીરા આસરે ૪પ૦૦ વર્ષ પુરાણી શ્રેષ્ઠ નગર રચનાનું એક આગવું દૃષ્ટાંત છે. આ પ્રાચિન નગરના મકાનો, ઈમારતો, સ્ટ્રક્ચરનો નિર્માણ તે સમયે મોહેજોદરો અને હડપ્પાની જેમ છે. ઈટ નહીં, પરંતુ પથ્થરોથી કરવામાં આવ્યું છે. આ અગાઉ ર૦૦૪મા ચાપાનેરનું, ર૦૧૪મા રાણકી વાવનું, ર૦૧૭મા અમદાવાદને વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું સ્થાન મળ્યું છે. ત્યારે હવે કચ્છના ધોળાવીરાને પણ વર્લ્ડ હેરિટેજની સાઈટની યાદીમાં સમાવેશ કરવામાં આવતા કચ્છના રાજકીય – સામાજિક અગ્રણીઓએ આ નિર્ણયને આવકારી ખુશી વ્યક્ત કરી હતી.વિશ્વ પ્રસિદ્ધ ધરોહરની યાદીમાં કચ્છના ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, પાંચ હજાર વર્ષ પૂર્વેની આ હડપ્પીય નગરીને વિશ્વના નક્શામાં મુકવાના પ્રસ્તાવને ભારત સરકારે મુક્યો હતો. જેના પગલે છ મહિના સુધી યુનેસ્કોની ટીમ અહીં રહી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સપનું સેવ્યું હતું કે, પુરાતત્ત્વ પ્રેમીઓને આ સાઈટ સરળતાથી મળી રહે તેમજ ગુજરાતની ચોથી સાઈટ પુરાતત્વીય નગર તરીકે ધોળાવીરાનું વૈશ્વિકસ્તરે સમાવેશ થાય જેને આજે સફળ મળી છે. ધોળાવીરા ખાતે માળખાકીય સુવિધા ઉપરાંત પ્રવાસક્ષેત્ર માટે જે સવલતો જોઈએ તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ૦૦ કરોડ ફાળવાયા છે. આમ, પણ ધોરડોના સફેદ રણને નિહાળવા દેશ-વિદેશના પ્રવાસીઓ કચ્છ આવે છે ત્યારે હવે ધોળાવીરાનું ઉમેરો થતા ત્યાં પણ હવે પ્રવાસીઓ આવશે. ગુજરાતના પ્રવાસ વિભાગ તરફથી તમામ કામગીરી શરૂ કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.
કચ્છના ખડીર બેટ પર આવેલા વિશ્વ પ્રસિદ્ધ સિંધુ સરસ્વતી સભ્યતાના મહત્વપૂર્ણ શહેર ધોળાવીરા દેશનું ૩૯મું વિશ્વ વિરાસત શહેર બન્યું છે. યુનેસ્કો હેરિટેઝ સાઇટ આપવા તૈયાર ભારત સરકારે ગત વર્ષે ધોળાવીરાને યુનેસ્કોને વર્લ્ડ હેરિટેઝ સાઇટ માટે સામેલ કરવા ડોઝિયર મોકલ્યું હતું. ત્યારબાદ યુનેસ્કોની ટીમે ધોળાવીરા સાઇટનું નિરીક્ષણ કર્યું હતું અને ધોળાવીરાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થયેલ છે તેમ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભારત સરકારનો આભાર માનતા દરેક કચ્છીજનોને અભિનંદન પાઠવ્યા હતા.ધોળાવીરાને હેરિટેજ સાઈડમાં સમાવેશ કરાતા ધોળાવીરા જીલુભા સોઢાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ધોળાવીરાને કચ્છના પ્રથમ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરતા યુનેસ્કોનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, વર્લ્ડ હેરિટેજ સાઈટમાં ધોળાવીરાનો સમાવેશ કરાતા પ્રવાશન ઉદ્યોગ માટે વિવિધ સમસ્યાઓનો ઉકેલ આવશે. જેમકે લાઈટ, પાણી, વિજળી, બેન્ક, એટીએમ, પોસ્ટ, ભવિષયમાં અહીં સરકાર દ્વારા બનાવામાં આવશે. દેશ-વિદેશથી પ્રવાસીઓ અહીં આવતા પ્રવાસન વિભાગનો પણ વિકાસ થશે. અહીંના લોકોને રોજગારી માટે બહાર જવું પડતું હતું, પરંતુ હવે સ્થાનિકે જ લોકોને રોજગારી મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોળાવીરાનો વિકાસ કરવામાં આવશે. આ વિસ્તારમાં ખુટતી વિકાસની કડીઓ પૂર્ણ થશે તેવું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.