યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરાયું

હડપ્પીય નગર તરીકે ધોળાવીરાનું વિશેષ મહત્વ : 1991-92માં પદ્મશ્રી આર.એન. બિસ્ટ દ્વારા ઉત્ખનન કરી ઉકેલાયા હતા રહસ્યો : ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ થતા ખડીર વિસ્તારને પ્રવાસન ક્ષેત્રે મળશે વેગ

બીજીંગ : ચીનમાં યોજાયેલ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ વિરાસત સ્થળોની યાદી જાહેર કરાઈ છે. જેમાં ભારતને ફરી સફળતા મળી છે. પ્રથમ તેલંગાણાનું રામપ્પા મંદિર દેશની ૩૯મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું હતું. જ્યારે હવે ધોળાવીરાને પણ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવવાની ઘોષણા કરાઈ છે. ઘડુલી – સાંતલપુર રસ્તાને કારણે ધોળાવીરાને પર્યટન સ્થળ તરીકે સારૂ એવું પ્રોત્સાહન મળી રહે તેમ છે. યુનેસ્કોએ શનિવારથી વિવિધ દેશોના વિશ્વ વિરાસત સ્થળનાં નામો જાહેર કરવાની શરૂઆત કરી હતી. જેમાં રામપ્પા મંદિરની ઘોષણા રવિવારે કરાઈ હતી. તેની સાથે પ્રધાનમંત્રીએ પણ દેશને આ અંગે જાણકારી આપીને ખુશી વ્યક્ત કરી હતી. યુનેસ્કોએ જાહેર કર્યું છે કે, ૨૮મી જુલાઇ સુધી વિવિધ સાઇટ અંગે ચર્ચા ચાલુ રહશે. તે દરમિયાન આજે ધોળાવીરાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. નોંધનીય છે કે, રામપ્પા મંદિરનું નામ સરકારે વર્ષ ૨૦૨૦ માટે મોકલ્યું હતું. ૨૦૨૧માં સરકારે ધોળાવીરાનું નામ મોકલ્યું હતું. ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરવા યુનેસ્કો દ્વારા વિચાર-વિમર્શ કર્યા બાદ વિધિવત જાહેરાત કરાઈ છે. કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના વડા ડોક્ટર મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, સિંધુ સભ્યતાના સૌથી મોટાં નગરોમાં સામેલ થતું ધોળાવીરા એક મહત્વનું પ્રાચિન નગર છે. લગભગ ત્રણ દાયકા પહેલાં થયેલા ઉત્ખનન કાર્ય બાદ ધોળાવીરાનાં અનેક રહસ્યો બહાર આવવા લાગ્યાં હતાં. ડોક્ટર આર.એન. બિસ્ટ દ્વારા ૧૯૯૧-૯૨માં ધોળાવીરામાં સંશોધન કાર્ય કરાયું હતું. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૦માં યુનેસ્કોને ધોળાવીરાનું ડોઝિયર મોકલવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચારેક માસ પહેલાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીએ ધોળાવીરાની મુલાકાત કરી હતી. જેમાં ધોળાવીરાની આસપાસ ભૂસ્તરીય મહત્વનાં સ્થળો કેવી રીતે વિકસાવી શકાય, અને તેનું મહત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે કેવું છે, એ વિશે કહેવામાં આવ્યું હતું. ધોળાવીરા હવે જ્યારે વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર થયું છે. ત્યારે ધોળાવીરાને સૌથી નજીકથી જાણનાર અને વિશ્વને આ પુરાતત્વીય શહેરથી રૂબરૂ કરાવનાર પદ્મશ્રી પુરાતત્વવિદ્દ આર.એન. બિસ્ટ આ જાહેરાતથી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. અને 90ના દાયકામાં તેમણે પોતે કેવી રીતે ધોળાવીરાના એક પછી એક રહસ્યને ઉજાગર કર્યાં તેની વિસ્તૃત માહિતી આપી હતી. ધોળાવીરા અન્ય હડપ્પીય શહેરથી અનેક રીતે મહત્વપૂર્ણ છે. વિશ્વ વિરાસત સ્થળ બનતાં કચ્છ તેમજ ખડિર વૈશ્વિક નકશા પર આવી જશે, અને પ્રવાસનની નવી જ તકો અહીં ઊભી થશે.