યુનિવર્સિટી સ્થિત સમરસ કોવિડ હોસ્પિટલની સમીક્ષા કરતા જે.પી. ગુપ્તા

બેડની સુવિધા, ઓક્સિજન તેમજ માળખાગત વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું કર્યું નિરીક્ષણ : ભુજની જી.કે. હોસ્પિટલની પણ લીધી મુલાકાત : વહિવટી અને આરોગ્ય અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે કરાઈ સમીક્ષા

ભુજ : કચ્છમાં કોરોનાની મહામારી નિરંકુશ બની છે ત્યારે સ્થિતિને થાળે પાડવા માટે રાજ્યના સિનિયર આઈએએસ અધિકારી જે.પી. ગુપ્તા કચ્છમાં કોરોનાની સમીક્ષા સંદર્ભે આવ્યા છે. દિવસભરની તેમની મેરેથોન મુલાકાતમાં બપોર બાદ કલેક્ટર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ કચ્છ યુનિવર્સિટી ખાતે સમરસ હોસ્ટેલમાં ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલની તેમજ જી.કે. જનરલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.રાજ્યના વરિષ્ઠ આઈએએસ અધિકારી તેમજ એક સમયે કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને જિલ્લાના પ્રભારી સચિવ રહેલા જે.પી. ગુપ્તાએ કચ્છની મુલાકાત લીધી છે. કોરોનાની બેકાબુ બનેલી સ્થિતિને થાળે પાડવા માટે રાજ્ય સરકારે ખાસ તેમને કચ્છની મુલાકાતે મોકલ્યા છે, જેમાં બપોર બાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં વહિવટી અને આરોગ્ય ક્ષેત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રોજબરોજ કોરોનાના આવતા પોઝિટીવ કેસ ઉપરાંત કચ્છમાં સરકાર અને તંત્ર દ્વારા જે માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેની સમીક્ષા કરી હતી. કલેક્ટર કચેરી ખાતે બેઠક બાદ જે.પી. ગુપ્તાએ કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ સમરસ હોસ્ટેલમાં ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. સમરસ હોસ્ટેલમાં ૧પ૦ બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ છે. જ્યાં ઓક્સિજન સહિતની અનુસંગિક સુવિધાઓ ઉભી કરાઈ છે ત્યારે સિનિયર આઈએએસ ઓફિસર જે.પી. ગુપ્તાએ અહીંના સંકુલમાં ઉભી કરાયેલી બેડની સુવિધા, મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, તબીબો સહિતની પૂછપરછ કરી હતી. ક્યાંય ખૂટતી કડી હોય તો જવાબદાર અધિકારીઓને ધ્યાન દોરવા સૂચન કર્યું હતું. સમરસ હોસ્ટેલ ખાતે ઓક્સિજનની પૂરતી સુવિધા છે તેની પણ જે.પી. ગુપ્તાએ રૂબરૂ મુલાકાત લઈ મૂલ્યાંકન કર્યું હતું. સમરસ કોવિડ હોસ્પિટલ ખાતેથી આ સિનિયર અધિકારી સહિત સ્થાનિક અધિકારીઓનો કાફલો જી.કે. હોસ્પિટલ પહોંચ્યો હતો. જી.કે. હોસ્પિટલમાં અદાણીના મેનેજમેન્ટ અને વહિવટી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.તેમની આ મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, અધિક નિવાસી કલેક્ટર કુલદીપસિંહ ઝાલ, ભુજના પ્રાંત અધિકારી મનિષ ગુરૂવાણી, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનક માઢક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.