મોહાડી-ભારાવાંઢના લોકોનો સ્થળાંતર કરવા ઈન્કાર

નલિયા : તંત્ર દ્વારા અબડાસા તાલુકામાં સ્થળાંતર માટે કવાયત હાથ ધરાઈ છે તે વચ્ચે મોહાડી-ભારાવાંઢ તથા તેની આજુબાજુના રહીશોએ સ્થળાંતર માટે ઈન્કાર કરી દીધો હતો. ગરડા વિસ્તારની કાંઠાળ પટ્ટીના ગામો મોહાડી, ભારાવાંઢ, નમણીવાંઢ વગેરેના લોકોએ સ્થળાંતર માટે ઈન્કાર કરી દીધો હતો.જત સમાજના અગ્રણી મુબારક ભારાભાઈ જતે જણાવ્યું હતું કે ૯પ ના વાવાઝોડા સમયે પણ આ વિસ્તારના ગામોમાં કોઈ નુકશાન ન થયું હતું તે વખતે તો માત્ર કાચા ઝુંપડા હતા જ્યારે હવે તો પ્રાથમિક શાળાઓ, કોમ્યુનીટી હોલ સહિત પાકા બાંધકામો છે ત્યાં કાચા ઝુંપડાવાળા લોકોને ગામમાં જ સ્થળાંતર કરાશે.આ ગામોમાં પશુપાલન મુખ્ય વ્યવસાય છે અને પશુઓના મરણનો ખતરો હોય છે જેથી ઉંચાણવાળા સલામત સ્થળે પશુઓને આજે બપોર સુધીમાં ખસેડી લેવામાં આવશે અને પોતાની જવાબદારી ગામલોકોએ લઈ તંત્ર વધુ દબાણ કરશે તો તંત્રના માન ખાતર સ્થળાંતર કરવું પડશે તેવું સ્પષ્ટ ભાષામાં તંત્રને જણાવાયું હોવાનું મુબારકભાઈ જતે જણાવ્યું હતું. તો બીજીતરફ સરકારની સુચનાના પગલે અબડાસામાં તંત્ર દ્વારા તાલુકાના ૧૪ ગામ પૈકી પ૩૯૬ લોકોનું સ્થળાંતર કરવાનું હતું જે પૈકી ૪૯૩૬ લોકોનું સ્થળાંતર આજે સવાર સુધી થઈ ચુક્યું છે અને બાકીના ૪૦૪ લોકોનું આજે સાંજ સુધી કરવા માટે તંત્ર દ્વારા વ્યાયામ આદરાયો છે. તંત્ર દ્વારા સ્થળાંતરમાં આત્મનિર્ભર નીતી અપનાવાતી હોઈ તેની અનેક ફરીયાદો ઉઠી રહી છે. જખૌબંદરે અમુક લોકો સીધા ગુજરાતના અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ગયા હતા.બાકીના સ્થાનિક બંદરે રહેતા લોકોને સરકારે નક્કી કરેલા આશ્રયસ્થાનોમાં શીફટ કરવાના હતા પણ તેના માટે સરકારી રાહે કોઈ વાહન ફાળવાયું ન હતું અને તંત્ર દ્વારા નક્કી કરાયેલા આશ્રયસ્થાનના બદલે લોકો અન્ય સ્થળે આશ્રય લીધો હતો. અમુક લાલા તથા અન્ય વાડી વિસ્તારમાં પોતાના સંપર્કોવાળા સ્થળે અમુકે સુમરીદાદી સ્થાનકે આશ્રય લીધો હતો. તંત્ર સ્થળાંતરમાં ભાજપ – કોંગ્રેસની નીતી અપનાવી રહ્યું હોવાનો આક્ષેપ કરતા જીલ્લા પંચાયત વિપક્ષી ઉપનેતા હાજી તકીશા બાવાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ મદદ કરવાના બહાને ફોટા પડાવીને ચાલ્યા ગયા તેમને તંત્ર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે જ્યારે ગઈકાલે જખૌબંદર અટવાયેલા ૮૦ થી ૧૦૦ જેટલા લોકો જેમના પાસે સ્થળાંતર માટે ભાડાના પણ પૈસા ન હતા તેમને તેમની નલીયાના રાઈ વિસ્તારમાં આવેલ ગુલશને ફૈઝાને મુસ્તફા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટમાં આશ્રય આપવામાં આવેલ છે. વિપક્ષના કોઈ નેતાને તંત્રે કોઈ બેઠકમાં પણ બોલાવેલ ન હતા જ્યારે ભાજપ નેતાઓ જશ ખાટવા સરકારી વીસીમાં બેઠેલા જોવા મળ્યા હતા તેની સામે તેમણે નારાજગી વ્યક્ત કરી તંત્ર માનવતા દાખવે તેવી અપીલ કરી પક્ષીય ભેદભાવ ન બતાવે તેવી લાગણી વ્યક્ત
કરી હતી.