મોરાય-રતાડિયા-લક્ષ્મીપર-નેત્રા સીમમાંથી ર.૪૦ લાખનો કેબલ ચોરાયો

સુજલોન કંપનીઓના ટાવરોને નિશાન બનાવતા તસ્કરો : પોલીસે શરૂ કરી છાનભીન

નખત્રાણા : તાલુકાના મોરાય, રતાડિયા, લક્ષ્મીપર, નેત્રા ગામની સીમમાં આવેલ કંપનીની પવનચક્કીઓમાંથી તસ્કરો ર,૩૯,પ૦૦નો કેબલ ચોરી જતા ગુન્હો નોંધાવા પામ્યો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નખત્રાણા પંથકના મોરાય, રતાડિયા, લક્ષ્મીપર, નેત્રા ગામની સીમમાં આવેલ સુજલોન કંપનીની પવનચક્કીઓને તસ્કરોએ નિશાન બનાવી હતી. જુદી જુદી નવ પવનચક્કીઓમાંથી તસ્કરો ર,૩૯,પ૦૦ની કિંમતનો વાયર ચોરી ગયા હતા. નખત્રાણા પોલીસે ધર્મેન્દ્રસિંહ ખેંગારજી સરવૈયા (રહે. ઉખેડા તા.નખત્રાણા)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી પ્રાથમિક તપાસ સવાભાઈ વાઘેલાએ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે ગત સાંજે બે શખ્સોને ગાડીમાં ચોરાઉ કેબલ વાયરો લઈ જતા પકડી પાડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આ શખ્સોની ઝીણવટપૂર્વકની પૂછતાછ કરે તો પવનચક્કીઓની કેબલ ચોરીનો ભેદ ઉકેલાઈ શકે તેમ છે.