મોબાઈલ ફોનની ચીલઝડપ કરનાર કુખ્યાત આરોપી પકડાયો

અમદાવાદ શહેરમાં ચીલઝડપના બનાવો વધી રહ્યાં છે. એકલ દોકલ જતાં લોકોના મોબાઈલ તથા સોનાની ચેઈન અને પર્સની ચીલ ચીલઝડપ થઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં ૨૬ મોબાઈલની ચીલઝડપ કરનારા કુખ્યાત આરોપીને વટવા પોલીસે ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ૩.૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીની વધુ પુછપરછ પણ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી તથા મોબાઈલ ફોનની તફડંચી વધી રહી છે ત્યારે વટવા વિસ્તારમાં પણ મોબાઈલની ચિલઝડપના ગુના બન્યા હોવાથી પોલીસ ઈન્સપેક્ટર એચ.વી.સીસારાના માર્ગદર્શન અનુસાર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, મોઈન રાણા જે ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે તે બાઈક લઈને વટવા અંબુજા એવન્યુ પાસેથી પસાર થવાનો છે જેના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપી મોઈનને ઝડપી પાડ્યો હતો.આરોપી પાસેથી ચોરીના કુલ ૨૬ મોબાઈલ ફોન એક બાઈક સહીત કુલ રૂ.૩.૨૧નો મુદ્દામાલ મળી આવતા પોલીસે જપ્ત કર્યો હતો. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, પોતાના બાઈક પર પસાર થઈ રહ્યો હોય ત્યારે કોઈ વ્યક્તિ ફોન પર વાતો કરતો હોય તો તેની પાસે જઈને મોબાઈલ ફોનની તફડંચી કરી ફરાર થઈ જતો હતો.