મોબાઇલમાં વ્યસ્ત છ ટ્રાફિક બ્રિગેડને પોલીસ કમિશ્નરે ઘરભેગા કરી દેવા હુકમ કર્યો

(જી.એન.એસ.)રાજકોટ,રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા સૌથી ગંભીર પ્રશ્ન છે ત્યારે વિકાસકાર્યો સમાન અન્ડરબ્રીજ અને ઓવરબ્રિજની કામગીરીના સ્થળોએ ડાયવર્ઝન મુકવામાં આવ્યા હોય પોલીસ કમિશ્નરે સરપ્રાઈઝ ચેકિંગ કરતા ફોનમાં વ્યસ્ત છ ટ્રાફિક બ્રિગેડને ઘરભેગા કરી દેવાનો હુકમ કર્યો છે.શહેરમાં ટ્રાફિકની વિકટ સમસ્યા સામે તંત્ર જજૂમી રહ્યું છે ટ્રાફિકના પ્રશ્નને હલ કરવા માટે અન્ડરબ્રીજ અને ઓવરબ્રિજ સહિતના વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે અને તેવા સ્થળોએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે ત્યારે શહેરમાં ટ્રાફિકની સમીક્ષા કરવા અને સુચારૂ રીતે કામગીરી થાય છે કે કેમ? તે જાણવા માટે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ખાનગી વાહનમાં નીકળ્યા હતા.સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ઢેબર રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના મહત્વના પોઈન્ટ ઉપર ચેકિંગ કરતા જુદા-જુદા સ્થળોએ છ ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિક કામગીરીને બદલે ફોનમાં વ્યસ્ત હોય તેમજ અન્ય સ્થળોએ બેઠા હોય તેવું નજરે પડતા આછ વોર્ડનને ઘરભેગા કરી દેવાનો હુકમ કર્યો છે તેમજ જ્યાં બ્રીજ સહિતની કામગીરી ચાલે છે ત્યાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ફરજ પર હાજર ટ્રાફિક કર્મચારીને સુચારૂ રીતે ટ્રાફિક નિયમન કરાવવા સુચના પણ આપી હતી.