મોદી સરકાર ઉથલાવવાના કાવતરાંનો ચોંકાવનારો ખુલાસો

મુંબઈઃ ભીમા-કોરેગાંવની હિંસા બાદ પુણે પોલીસે દેશભરમાં છ શહેરમાં
છાપા મારીને નક્સલવાદી સાથે સંબંધની શંકા પરથી ડાબેરી પાંખના પાંચ કાર્યકર્તાની અટકાયત કરી હતી. પકડાયેલા કાર્યકર દ્વારા પાઠવાયેલા એક પત્રમાં ‘રાજીવ ગાંધીની હત્યા જેવી ઘટના’ના કાવતરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોઇ મોદી સરકારને ઉથલાવવાનું કાવતરું પણ ઘડાયું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી, એમ મહારાષ્ટ્રના એડિશનલ ડિરેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) પરમબીર સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
પુણે પોલીસે તાજેતરમાં દેશભરમાં છ શહેરમાં છાપા મારીને વરવરા રાવ, સુધા ભારદ્વાજ, વેરનોન ગોન્ઝાલ્વિસ અને ગૌતમ નવલખાની અટકાયત કરી હતી. આ તમામ સામે કરેલી કાર્યવાહી યોગ્ય હોઇ તેમની પૂછપરછ માટે અમે પ્રયત્નશીલ છીએ. સુપ્રીમ કોર્ટને આદેશને પગલે તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા છે. પુણે
પોલીસે કરેલી આ કાર્યવાહીમાં હજારો દસ્તાવેજો-પત્રોની સાથે કમ્પ્યુટર, લેપટોપ, હાર્ડડિક્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં. પોલીસની આ કાર્યવાહીનું વીડિયો શૂટિંગ કરવામાં આવ્યું હતું, એમ સિંહે કહ્યું હતું.
પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો પરથી મોદી સરકાર ઉથલાવવાનું કાવતરું ઘડાયું હોવાનું સ્પષ્ટ થાય છે. સિંહના જણાવ્યા અનુસાર હ્યુમન રાઇટ્‌સ એક્ટિવિસ્ટ રોના જેકબ વિલ્સન તેમ જ સીપીઆઇ-માઓવાદી વચ્ચેના પત્રમાં ‘મોદી-રાજ’ ખતમ કરવા માટે ‘રાજીવ ગાંધીની હત્યા જેવી ઘટનાના કાવતરા‘નો ઉલ્લેખ હતો.
પત્રમાં ગ્રેનેડ લોન્ચર્સ અને ચાર લાખ રાઉન્ડ્‌સ મેળવવા માટે રૂ. આઠ કરોડની જરૂર હોવાનો પણ ઉલ્લેખ હતો. રોનાએ માઓવાદી નેતા કોમરેડ પ્રકાશને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે અહીંની હાલની સ્થિતિ અંગેનો તમારો છેલ્લો પત્ર અમને મળ્યો હતો. શહેરી મોરચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે, એ માટે અરૂણ (ફરેરા), વેરનોન (ગોન્ઝાલ્વિસ) તેમ જ અન્યો ચિંતિત હતા, એમ સિંહે કહ્યું હતું.
પરમબીર સિંહના જણાવ્યા અનુસાર પકડાયેલા કાર્યકર્તાઓ વચ્ચેના કેટલાક પત્રોમાં ‘કોઇ મોટી ગતિવિધિ’ની યોજના અંગેનો ઉલ્લેખ હતો. અમારી પાસે જે પુરાવા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે પકડાયેલા આરોપીઓ અને માઓવાદી વચ્ચે કડી છે. અમારી તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે માઓવાદી સંગઠન દ્વારા મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું અને આ કામ માટે આરોપીઓ તેમને મદદ કરી રહ્યા હતા.