મોદી સરકારે પૈસા ન આપતાં સેનામાં આધુનિકીકરણ ખોરંભે

નવી દિલ્હી : દેશની સેના પાકિસ્તાન, ચીન સહિતની સરહદ પર મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે લડી રહી છે અને રક્ષણ કરી રહી છે, પરંતુ તેની આપાતકાલીન જરૂરિયાત
પૂરી કરવા માટે પણ સરકાર તેને ફંડ આપતી નથી. ઉરી હુમલો, સર્જિકલ સ્ટ્રાઈક અને દોકલામ ઘર્ષણ જેવી ઘટનાઓ બની ગઈ તે પછી પણ ચીનની સરહદ પર વ્યૂહાત્મક રોડનું નિર્માણ કરવા માટે સરકારે પૂરતા સંસાધનો આપ્યાં નથી. મોદી સરકાર સામે સૌથી આકરું વલણ અપનાવીને સેનાએ ડિફેન્સ અંગેની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ માહિતી આપી છે કે આ વર્ષે તેને જે બજેટ ફાળવાયું છે તેને કારણે સેનાનું આધુનિકરણ કરવાની અને ‘મેઈક ઈન ઈન્ડિયા’ પ્રોજેક્ટ શરૂ કરવાની તમામ આશા પર પાણી ફરી વળ્યું છે. આ વર્ષે મોદી સરકારે ફાળવેલું બજેટ જૂની ખરીદીની ચૂકવણીના હપતા ચૂકવવા પૂરતું પણ નથી તેમ જણાવીને વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્‌ટેનન્ટ જનરલ શરદચંદ સંસદીય સમિતિ સમક્ષ કહ્યું હતું કે સેનાના ૬૮ ટકા ઉપકરણો ‘વિન્ટેજ કેટેગરી’ના થઈ ગયાં છે. સંસદીય સમિતિના વડા ભાજપના પીઢ નેતા નિવૃત્ત મેજર જનરલ બી.સી. ખંડુરી છે. ઉરીમાં હુમલો થયા બાદ અને ત્યાર પછી ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને પગલે સેનાએ ઈમરજન્સી જરૂરિયાત માટે મોટાપાયે દારૂગોળો, એન્ટી-ટેન્ક મિસાઈલ અને અન્ય ઉપકરણો ખરીદવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ દોકલામ ઘર્ષણ ઊભું થવાને કારણે પણ કેટલીક ઈમરજન્સી ખરીદી કરવાનું શરૂ થયું હતું. પરંતુ હવે તેને માટે ફંડ જ નથી. લેફ્‌ટેનન્ટ જનરલ શરદચંદે કહ્યું હતું કે ‘આ વર્ષ માટે મોર્ડનાઈઝેશન માટે ૨૧,૩૩૮ કરોડ રૂપિયા ફાળવાયા છે, પરંતુ આ રકમ તો અત્યારે ચાલતા ૧૨૩ યોજનાઓ, ઈમરજન્સી ખરીદી અને અન્ય જરૂરિયાતો માટે ચૂકવવાપાત્ર ૨૯,૦૩૩ કરોડ રૂપિયા કરતાં પણ ઓછી છે.’