મોદી સરકારની ઉજ્જવલા યોજનાને છ વર્ષ વીત્યા છતા ચુલાની ઝંઝટમાંથી મહિલાઓને મુક્તિ ન મળી

માત્ર જૂન મહિનામાં જ બીપીએલના ર૬૬૦૯ કાર્ડધારકોને ૪,૧૭,૦૦૦ લીટર કેરોસીનનું થયું વિતરણ : ર૦રર સુધી દરેક મહિલાને રસોઈમાં ગેસ કનેક્શન આપવાની મોટી જાહેરાતો વચ્ચે આજે પણ ગામડાઓમાં મહિલાઓ લાકડા અને બળતણથી ધૂમાડા સાથે બનાવે છે રસોઈ

ભુજ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો તેના બે વર્ષ બાદ ર૦૧૬માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લોન્ચ કરી હતી. જે તે સમયે માધ્યમોમાં એવી જાહેરાત બતાવાઈ કે, મારી બહેનો ચુલા પર રસોઈ બનાવી ધુમાડાનો સામનો કરી બીમારીનો શિકાર બને છે. જે હું જોઈ શકું નહીં, જેથી ર૦રર સુધી દરેક મહિલાના ઘરે ગેસ કનેક્શન પહોંચાડવામાં આવશે. જેના માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લોન્ચ કરાઈ હતી. કચ્છમાં ઘણી મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. ઘણા લોકોએ પગભર થઈ ગેસ કનેક્શન મેળવી લીધા છે. પરંતુ આજે પણ અંતરિયાળ ગામડાઓ અને વાંઢોમાં મહિલાઓ રસોઈ બનાવવા માટે લાકડાના બળતણનો ઉપયોગ કરે છે. તેઓ આજે પણ ગેસ કનેક્શન જોયા નથી. કારણ કે તેઓને સરકારી યોજનાનો લાભ મળ્યો નથી. બીજી તરફ શહેરમાં રહેતા અને મકાન ધરાવતા અને સરકારી ચોપડે ગરીબ રહેલા લોકોએ ઉજજવલા યોજનાના કનેક્શન લઈ બાટલા બ્લેકમાં વેચી નાખ્યા છે. ગામડામાં ગેસ કનેક્શન ન પહોંચવા પાછળ ગેસના વધેલા ભાવ પણ એટલા જ જવાબદાર છે. ઉજ્જવલા યોજના જાહેર થઈ ત્યારે ગેસના બાટલાના ભાવ ૪૦૦ થી પ૦૦ હતા, પરંતુ તે આજે વધીને ૯૦૦ને આંબી ગયા છે. પુરવઠા વિભાગના સરકારી આંકડા પર નજર કરીએ તો જૂન મહિનામાં કચ્છમાં અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધરાવતા ર૬૬૦૯ કાર્ડ ધારકોને ૪,૧૭,૦૦૦ લીટર કેરોસીનનું વિતરણ કરાયું છે. ખુદ સરકારી આંકડા જ સરકારી દાવાઓની પોલ ખોલે છે. આ લાભાર્થીઓમાંથી પણ ઘણા ખરા પાસે જ ચુલો હશે. બાકીના લોકો ગેસ કનેક્શન ધરાવે છે પરંતુ આ કેરોસીન છુટક બજારમાં ૬૦ થી ૭૦ રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચી નાખે છે.