મોદીરાજમાં રૂપિયો ૨૨% નબળો થયો

અમદાવાદઃ ફોરેક્સ માર્કેટમાં રૂપિયા સામે ડોલર આજે વધુ ૨૪ પૈસા ઉછળતાં રૂપિયો ૭૧.૯૯ના નવા તળીયે બેસી ગયો હતો. જોકે, ઇન્ટ્રા-ડેમાં ડોલર ૭૨ની
સપાટી કુદાવી ૭૨.૧૧ પહોંચ્યો હતો. રૂપિયો સતત તૂટતા પેટ્રોલ-ડિઝલની કિંમત નવી ઊંચાઇએ પહોંચી છે. જૂન મહિનાથી અત્યાર સુધીમાં રૂપિયામાં ૭ ટકાનો જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષમાં ૧૩ ટકાનો જંગી ઘટાડો આવ્યો છે. ફોરેક્સ નિષ્ણાતોના મત અનુસાર ડોલર આગામી સમયમાં ૭૩-૭૫ સુધી મજબૂત થઇ શકે છે.
ડોલર સામે રૂપિયો ઝડપી ૭૨.૫૦ અને ત્યાર બાદ ૭૪ સુધી પહોંચી શકે છે. એક્સચેન્જ રેટ મુજબ હજુ રૂપિયો ૭૭-૭૮ પહોંચે ત્યાં સુધી મોટી નુકસાની નથી. આ ઉપરાંત ઇમર્જિંગ માર્કેટમાં અન્ય દેશોની કરન્સી ડોલર સામે સરેરાશ ૨૫ થી ૫૦ ટકા સુધી તૂટી છે. તેની સામે રૂપિયો ૧૩ ટકા જ ઘટ્યો છે આમ જોતા અન્ય દેશોની તુલનાએ રૂપિયાની વેલ્યુ ઉંચી છે.
લોકોને સીધી અસર કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી આવી રહેલા ભાવ વધારા વચ્ચે હવે અમદાવાદમાં સૌપ્રથમવાર પેટ્રોલનો ભાવ રૂ. ૭૯.૨૦ પૈસાને પાર કરી ગયો છે. ગત વર્ષે પેટ્રોલનો ભાવ ૭૯
રૂપિયાની નજીક પહોંચ્યો હતો અને પાછળથી તેમાં ઘટાડો થયો હતો જો કે આ વખતનો ભાવ ૭૯ ને પણ પાર કરી ૪૮ પૈસાના વધારા સાથે રૂા.૭૯.૨૦ પર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં પેટ્રોલનો ભાવ ૭૮.૭૨ પૈસાની આસપાસ રહ્યો છે તેમાં થોડા સમય પહેલા ઘટાડો થયો હતો. જો કે આ પરિસ્થિતિ લાંબો સમય ચાલી નથી.