મોદીના મિત્ર નેતન્યાહૂ મુશ્કેલીમાં : ભ્રષ્ટાચારના આરોપમાં ચાલી શકે છે કેસ

જેરુસલેમઃ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. તેમની સામે કેસ દાખલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ દરમિયાન પીએમ નેતન્યાહૂએ કહ્યું છે કે તેઓ રાજીનામું નહીં આપે. ઇઝરાયલની પોલીસે કહ્યું કે, બેન્જામિન નેતન્યાહૂ પર લાંચ અને છેતરપિંડીનો કેસ ચલાવવામાં આવે. તેમની સામે આ અંગેના પૂરતા પુરાવા મળ્યા છે. બેન્જામિન નેતન્યાહૂ પર હોલીવુડ નિર્માતા ઓરનોન મિલકેન પાસેથી લાંચ લેવાનો અને ઇઝરાયલના અગ્રણી અખબારને ફાયદો પહોંચાડવાનો આરોપ છે. ઇઝરાયલી પોલીસે આ બંને મામલામાં તેમના પર ભ્રષ્ટાચારના આરોપસર કેસ દાખલ કરવાની ભલામણ કરી છે. નેતન્યાહૂ પર કેસ ચલાવવો કે નહીં તે હવે અટોર્ની જનરલ નક્કી કરશે. કેસની ભલામણ બાદ નેતન્યાહૂએ પોલીસ પર પલટવાર કરતાં કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં આશરે ૧૫ મામલામાં મારા પર કેસ ચાલ્યા છે. તેમાં કંઇ થયું નથી અને આમાં પણ કંઈ નહીં થાય. નેતન્યાહૂએ સ્પષ્ટતા કરી કે તેઓ રાજીનામું નહીં આપે અને જવાબદારીથી તેમનું કામ કરતાં રહેશે. ઇઝરાયલના કાયદા મંત્રી આયલેત શોકડે કહ્યું કે, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પર ગુનાઓ બદલ કેસ ચલાવવાની ભલામણ કરવામાં આવી છે તેમાં રાજીનામું આપવાની જરૂર નથી.