મોદીના બ્રાન્ડીંગથી ખાદીની વધી ડિમાન્ડ : પુરૂષોત્તમ રૂપાલા

દયાપર ખાતે ૮૭પ૮ વિદ્યાર્થીઓને પોલીવસ્ત્ર ગણવેશનું કેન્દ્રિય રાજય કૃષી તથા કિશાન કલ્યાણ અને પંચાયતી મંત્રીના હસ્તે કરાયું વિતરણ : નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદે આરૂઢ થયા બાદ ખાદીનું વેંચાણ ૧૭ ટકા વધ્યું : લખપત જેવા છેવાડાના તાલુકામાં આ પ્રકારની સુવિધા-સેવા આપવી તે સમયનો તકાજો : કચ્છ તિર્થધામ માતાના મઢે આશાપુરા માતાજીના મંદિરે કેન્દ્રિય મંત્રીએ શીશ ઝુકાવ્યું

ભુજ : સવાયા કચ્છી અને ગુજરાતનું ગૌરવ એવા નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન પદે આરૂઢ થયા બાદ ખાદીના વેંચાણમાં ૧૭ ટકાનો ઉછાળો આવ્યો છે ત્યારે ખાદીને પ્રોત્સાહન આપવાનું સરકારનું અભિગમ આવકારદાયક હોવાનું કેન્દ્રિય રાજયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું.
ગુજરાત સરકારના કુટિર ઉદ્યોગ વિભાગ દ્વારા નાણાંકિય વર્ષ ર૦૧૬-૧૭ થી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને બે જોડી પોલીવસ્ત્ર ગણવેશ વિના મુલ્યે પુરૂો પાડવાની યોજના અમલમાં મુકવામાં આવી છે, જે અંતર્ગત નાણાંકિય વર્ષ ર૦૧૭-૧૮ માટે રાજયના ચાર તાલુકાઓ પૈકી છેવાડાના એવા કચ્છના લખપત તાલુકાની પસંદગી કરવામાં આવી છે ત્યારે આજરોજ દયાપર ખાતે ૪૩૭૭ કુમાર તેમજ ૪૩૮૧ કન્યા મળી કુલ્લ ૮૭પ૮ વિદ્યાર્થીઓને બે જોડી પોલીવસ્ત્ર ગણવેશનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
ભારત સરકારના કૃષિ તથા કિશાન કલ્યાણ અને પંચાયતી રાજ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમારોહમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે હકારાત્મ અભિગમ અપનાવી સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ગણવેશ અપાઈ રહ્યા છે તે સરકારની સંવેદના દર્શાવે છે. લખપત જેવા છેવાડાના તાલુકામાં આ પ્રકારની સુવિધા સેવા આપવી એ સમયનો તકાજો છે, કચ્છીજનો હર હંમેશ દાન આપવામાં અગ્રેસર રહે છે ત્યારે આવી પ્રવૃતિઓમાં સંસ્થાઓનું યોગદાન મહત્વનું છે, કચ્છ જેવા સુકા પ્રદેશમાં જગડુશા જેવા દાનવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા જેવા ક્રાંતિવીર, શાહ સુંદરજી જેવા સોદાગર અને મહારાવ ખેંગારજી જેવા મહામુત્સદી જેવા મહાન લોકો કચ્છની ધરાના અનમોલ રત્નો સમાન છે. વધુમાં તેમણે જણાવ્યું કચ્છડો ખેલે ખલક મે ઉકિતને યર્થાથ કરાતી હોય તેમ વિશ્વમાં જયા જયા કચ્છીઓ વસે છે ત્યાં મિનિ કચ્છ સર્જાયું છે. જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી છે. એક સમયે એવો હતો જયારે યુરિયા ખાતરની સતત અછત વર્તાતી હતી અને ખેડુતો પાયમાલ થતા હતા પરંતુ મોદી સરકારે ખેડુતોની સતત ચિંતા સેવી છે. યુરિયા ખેતર માટે હવે લાઈનો લાગતી નથી.
આ વેળાએ કચ્છી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન છાયાબેન ગઢવી, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ કુશળસિંહ પઢેરીયા, સદસ્ય સચિવ કે.એસ. ટેલર, વેશલજી તુંવર, રમેશ જોષી, રાજુ સરદાર, પ્રદેશ મહિલા ભાજપ મોરચાના લિંબાચીયાબેન, માતાના મઢ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, દયાપર સરપંચ ભવાનભાઈ, જયેશ ગઢવી, હસમુખ પટેલ, સુરૂભા જાડેજા, કરણસિંહ સોઢા, ઓસ્માણ સુમરા,મામલતદાર પીરદાન સોઢા, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પરમાર, ખેતી વાડી અધિકારી શ્રી સિહોરા, શ્રી રૂગાણી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અખિલેશ અંતાણી, શ્રી મિરાણી સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં, તો દયાપર કાર્યક્રમ બાદ કેન્દ્રિય રાજય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ માતાના મઢે શીશ ઝુકાવ્યું હતું. આ વેળાએ જાગીરના રાજાબાવા, સરપંચ સુરેન્દ્રસિંહ સહિતનાઓએ તેમનું સન્માન કર્યું હતું.