મોતી આશ્રમમાં થયેલા ચકચારી હત્યા કેસની આરોપી મહિલાના કોર્ટે જામીન ફગાવ્યાં

(જી.એન.એસ), મહેસાણા,૨૦૦૪માં ઊંટવાના મોતી આશ્રમના ટ્રસ્ટી ચિમનભાઈ પટેલ, શર્મિષ્ઠાબેન પટેલ ઉર્ફ માતાજી સમતાનંદ પૂર્વાનંદ સરસ્વતી, આશ્રમના કોન્ટ્રાક્ટર લુહાર મોહનભાઈ વાઘાજી અને આશ્રમના પટાવાળા રાવળીયા કરમણભાઈ રાઘુભાઈની ધારીયાથી હત્યા કરીને સોનાચાંદીના દાગીના તેમજ ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા ૧,૬૯,૦૦૦ ની મતાની લૂંટ કરીને મૂળ મધ્યપ્રદેશના દતીયા જિલ્લાના સીમતરા ગામના યાદવ ગોવિંદસીંગ ઉર્ફે મહેન્દ્રસીંગ ઉર્ફે અરવિંદ નંદરામ અને તેની પત્ની રાજકુમારી ઉર્ફે ડીસ્કો ઉર્ફે સરોજ યાદવ ફરાર થયા હતા. હત્યાની ઘટના બાદ ૧૭ વર્ષે રાજકુમારી ઉર્ફે સરોજ યાદવને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી પકડીને કડી પોલીસને સોંપી હતી. રાજકુમારી ઉર્ફે ડીસ્કો ઉર્ફે સરોજ યાદવે મહેસાણાની એડીશનલ સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરતાં એડીશનલ સેશન્સ ન્યાયાધીશ એ.એલ.વ્યાસે સરકારી વકીલ હસુમતીબેન મોદીની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી મહિલાની જામીન અરજીને નામંજૂર કરી હતી.કડીના ઊંટવા ગામની ભૈરવ ટેકરી પાસે મોતી આશ્રમમાં થયેલા ચકચારી હત્યા કેસની આરોપી મહિલા રાજકુમારી યાદવનાં જામીન મહેસાણાની એડીશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધા હતા. વર્ષ ૨૦૦૪માં આશ્રમના ટ્રસ્ટી સહિત ૪ લોકોની હત્યા કરી, રૂપિયા ૧.૬૯ લાખની મતાની લૂંટ કરીને આરોપી મહિલા ફરાર થઈ ગયા બાદ ૧૭ વર્ષે દિલ્હીમાંથી ઝડપાઈ હતી.