મોતના સોદાગરઃ ૫૦૦૦ ડુપ્લિકેટ રેમડેસિવર વેચવાનું કૌભાંડ, સાતની ધરપકડ

(જી.એન.એસ)અમદાવાદ,અમદાવાદમાંથી કોરોના મહામારીમાં મોતના સોદાગરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નકલી ઈન્જેક્શન વેચતાં સાત લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. અને તેમની પાસેથી ૧૩૩થી વધુ નકલી ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અને ૨૧ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. અને આરોપીઓ સામે માનવવધનો ગુનો નોંધાશે તેમ પોલીસે જણાવ્યું છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમી મળી હતી કે ચાંદખેડા ખાતે સનપ્રિત નામનો વ્યક્તિ જય ઠાકુરને ઈન્જેક્શન આપવા આવવાનો છે. જેને આધારે પોલીસે વોચ ગોઠવીને બંનેને દબોચી લીધા હતા. અને તેમની પાસેથી હીટીરો કંપનીના ૨૦ ઈન્જેક્શન મળી આવ્યા હતા. સનપ્રિતની પુછપરછમાં સામે આવ્યું કે તેણે આ ઈન્જેક્શન પાલડીમાં રહેતા તેના મિત્ર રાજ વોરા પાસેથી લાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે રાજ વોરાના ઘરે તપાસ કરતા ૧૦ ઇન્જેક્શન મળી આવ્યા હતા.રાજની પુછપરછ કરતાં વસ્ત્રાપુરની હયાત હોટેલમાં રોકાયેલાં મિતેષ જોશીની ધરપકડ કરવામાં આવી હતી. અને તેની પાસેથી ૧૦૩ ઈન્જેક્શન મળી આવ્યા હતા અને ૨૧ લાખ રૂપિયા રોકડે કબ્જે કર્યા હતા. મિતેષને આ ઈન્જેક્શનનો જથ્થો દિશાંત પટેલ અને વિવેક માહેશ્વરી આપ્યા હતા. આ બંને જણા ટેટ્રાસાયકલનું ૧૦૦ રૂપિયાનું ઈન્જેક્શન ખરીદી તેનું રેપર હટાવી રેમડેસિવિરનું રેપર લગાવી દેતા હતા. અને તેની કાળાબજારી કરી ઊંચી કિંમતે વેચતા હતા.પોલીસે સ્ટિકર લગાવનાર સહિત સાત આરોપીની ધરપકડ કરી છે. અને ૧૩૩ નકલી દવાઓ સાથે ૨૧ લાખ રૂપિયા કબ્જે કર્યા છે. જ્યારે એક આરોપી વિવેક હાલ ફરાર છે. પુછપરછમાં એ વાત પણ સામે આવી છે કે, નિલેશ દ્વારા ૪૦૦ ઈન્જેક્શન ૨૦થી ૩૦ હજાર રૂપિયા જેટલી કિંમતે વેચતા હતા. આરોપીઓએ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ૫૦૦૦ જેટલાં ઈન્જેક્શન વેચી નાખ્યા હતા.ફરાર વિવેક માહેશ્વરી મેડિકલ ડિસ્ટ્રીબ્યુટરનું કામ કરે છે. અને તે લોકોનાં પરિચયમાં હતો. અને આ તમામ બે નંબરનો વ્યવહાર કેશમાં જ ચાલતો હતો. જ્યારે પારીલ પટેલ પ્રિન્ટીંગનું કામ કરે છે તેણે સ્ટિકર અને બોક્સ બનાવ્યા હતા. આરોપી ફાર્મા કંપની સાથે જોડાયેલા છે. અને અગાઉ પ્રથમ તબક્કાના લોકડાઉનમાં માસ્ક અને થર્મલ ગનનું વેચાણ કરતા હતા. તમામ આરોપીઓ સામે માનવવધનો ગુનો નોંધાશે તેમ પોલીસે જણાવ્યું છે. પણ અહીં સવાલ એ છે કે લાખો રૂપિયા કમાવવાની લાલસામાં આમ લોકોનાં જીવ દાવ પર લગાવી દેવામાં પણ ખચકાતા નથી.