મોડી રાત્રીના તરા – લાખાડી પંથકમાં વધુ બે ઈંચ વરસાદ

માલધારી – ખેડૂત વર્ગમાં ખુશીની લહેર : નદી-નાળા છલકાતા ડેમોના નવા નીરની આવક : ભાદરવાના ભૂસાકાથી કયાંક પાણીની રેલમછેલ તો અમુક વિસ્તારો કોરાધાકોર

નખત્રાણા : હવામાન વિભાગ દ્વારા આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. હવામાન વિભાગની ગણતરી પ્રમાણે ચોમાસુ તેના અંતીમ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. જો કે, કચ્છમાં જાણે ચોમાસાનો હજુ મધ્યાહન કાળ ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ છેલ્લા ચારેક દિવસથી ભાદરવાના ભૂસાકા રૂપે મેઘરાજા જિલ્લ્લાના અનેક વિસ્તારોમાં દે ધનાધન બેટીંગ કરી રહ્યા છે. રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે ત્યારે ગત મોડી રાત્રીના નખત્રાણા તાલુકાના તરા – લાખાડી પંથકમાં વધુ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.આ અંગેની વિગતો મુજબ મેઘરાજાએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોતાની હાજરી સતત નોંધાવી છે, તે વચ્ચે નખત્રાણા તાલુકાના તરા, લાખાડી, મંજલ, પલીવાડ, કલ્યાણપર, લક્ષ્મીપર સહિતના વિસ્તારોમાં બે થી ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તરાના સરપંચ બટુકસિંહ એસ. જાડેજા તેમજ મનીષભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે, સારા વરસાદના પગલે પુંરેશ્વર – તરા પાસેની નદી બે કાંઠે આવી ગઈ હતી. ગાજવીજ સાથેના વરસાદથી તરા નજીકનો પાલરધુના ધોધ સોળે કળાએ ખીલ્યો હતો. નદી-નાળા છલકાતા ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. વાડી વિસ્તારમાં પાલર પાણી ભરાતા પાકને ફાયદો થશે તેવું તેમણે જણાવ્યું હતું. તો કયાંક રસ્તાઓનું ધોવાણ પણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ આજ સવારે વિરામ લીધો હતો. જો કે, બપોરે સાડા બાર વાગ્યા બાદ નખત્રાણામાં ભારે ઝાપટું શરૂ થતા માર્ગો પરથી પાણી વહી નિકળ્યા હતા. આજે બપોરે એક વાગ્યાના અરસામાં સુખપર રોહામાં ધોધમાર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરવાની સાથોસાથ ગામની શેરીઓમાંથી જોશભેર પાણી વહેવા લાગ્યા હતા. ભેરૈયા સહિતના વિસ્તારોમાં પણ ઝાપટાં વરસ્યા હતા. માંડવી તાલુકાના કેટલાક ગામડાઓમાં હળવા ભારે ઝાપટારૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી.