મોટી છેરમાં જંગલી જનાવરે ઘેટા- બકરાના ૪૩ બચ્ચાઓને ફાડી ખાધા

ગઈકાલ સવારની ઘટના : પશુપાલન- ફોરેટરના જવાબદારોએ કર્યું પી.એમ. : જનાવર અંગે હજુ પણ અવઢવ : જંગલખાતાના એસીએફ આજે સ્થળ મુલાકાત લઈ કરશે તપાસ

 

ભુજ : સરહદી લખપત તાલુકાના મોટી છેર ગામે જંગલી જનાવરે ઘેટા- બકરાના ૪૩ બચ્ચાઓનું મારણ કરતાં માલધારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલે સવારે દોઢ- બે કલાકના ગાળામાં જ આ ઘટના ઘટી હોવાનું અનુમાન છે. બનાવના પગલે પશુપાલન તેમજ ફોરેસ્ટ વિભાગના જવાબદારોએ ઘટના સ્થળે જઈ પી.એમ. કર્યુ હતું. જો કે જનાવર અંગે હજુ પણ અવઢવ હોઈ જંગલખાતાના એસીએફ આજે સ્થળ મુલાકાત લઈ તપાસ કરશે.આ અંગેની વિગતો મુજબ લખપત તાલુકાના મોટી છેર ગામની સીમમાં આવેલ સોઢા ભરાજી કુંભાજી નામના માલધારીના વાડામાં રહેલા બકરીના ૩૮ તેમજ ઘેટાના પ બચ્ચાનું ગઈકાલે સવારે જંગલી જનાવરે મારણ કર્યું હતું. જેના લીધે માલધારી પર આભ તુટવા સમાન સ્થિતિ સર્જાઈ છે. બનાવની જાણ થતા પશુપાલન વિભાગ ડો. વીરલ બારોટ, ડો. વિનોદકુમાર તેમજ ફોરેસ્ટના ગણેશભાઈ સોલંંકી બનાવ સ્થળે દોડી ગયા હતા. તેમજ પીએમ કર્યું હતું.
સમગ્ર ઘટના અંગે ડો. વીરલ બારોટે વિગતો આપતા જણાવ્યું કે, મોટી છેર ગામની સીમમાં સોઢા ભરાજી કુંભાજી નામના માલધારીનો વાળો આવેલ છે. જેમાં ગઈકાલે સવારે ઘેટાઓ તેમજ બકરીઓ ચરવા માટે લઈ જવાયા બાદ ઘેટા- બકરાના બચ્ચાને વાડામાં રખાયા હતા. ત્યારે માલધારી દોઢ- બે કલાક સુધી પોતાના ઘરે ગયા બાદ પરત વાડા પર આવેલ ત્યારે બકરીના ૩૮ તેમજ ઘેટાના પ બચ્ચાઓનું મારણ કોઈ જંગલી જનાવરે કરી લીધું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, પોસ્ટ મોર્ટમ દરમ્યાન એવી હક્કિત પણ જાણવા મળી છે કે, ભાગદોડના લીધે પણ થોડા બચ્ચાઓના મૃત્યુ થયેલ. તો આ હુમલો કયા જનાવરે કરેલ તે હજુ સ્પષ્ટ થયેલ ન હોઈ જંગલખાતાના એસીએફ પણ આજે સ્થળ મુલાકાત લેવાના છે.