મોટી ખેડોઈ પાસે ટ્રેઈલરના ઠાઠામાં ટેમ્પો ઘૂસી જતા ચાલકનું મોત

મધ્યરાત્રીના બનેલા બનાવમાં બારોઈના યુવાને જીવ ગૂમાવ્યો

અંજાર : મુન્દ્રા-અંજાર હાઈવે ઉપર મોટી ખેડોઈ ગામ પાસે પુરપાટ જઈ રહેલ ટાટા સુપર ગાડીના ચાલકે આગળ જતા ટ્રેઈલરના ઠાઠામાં ધડાકાભેર ભટકાવતા ગંભીર ઈજાઓ થતા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. બારોઈના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જીવલેણ અકસ્માતનોબનાવ રાત્રીના સાડા ત્રણ વાગ્યે બનવા પામ્યો હતો. બારોઈ વાડી વિસ્તાર તા.મુન્દ્રા રહેતા અબ્દુલ્લ કરીમ ઈસ્માઈલ ભજીર (ઉ.વ.૪ર) પોતાના કબજાની ટાટા સુપર એક્સ ગાડી નંબર જીજે. ૧ર. એયુ. ૩૬૯પ લઈને જતો હતો ત્યારે મોટી ખેડોઈ પાસે આવેલ દાદા કૃપા હોટલ સામેના રોડ ઉપર આગળ જઈ રહેલા ટ્રેઈલરના ઠાઠામાં ધડાકાભેર ભટકાવતા પોતાને ગંભીર પ્રકારની ઈજાઓ થતા સારવાર મળે તે પહેલા જ મોત આંબી ગયું હતું. અંજાર પોલીસે મૃતકના ભાઈ મોસીન ઈલિયાસ ભજીર (ઉ.વ.૩૧) (રહે. બારોઈ તા.મુન્દ્રા)ની ફરિયાદ પરથી મૃતક સામે ગુન્હો નોંધી પીએસઆઈ પી.કે. ઝાલાએ તપાસ હાથ ધરી હતી. બારોઈના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયું હતું.