મોટી અરલમાં શોર્ટ સર્કિટથી પ્રસરેલી આગમાં પાંચેક વાડી સ્વાહા

ગામ લોકોએ શ્રમદાન કરી આગને કાબૂમાં લીધી : કોઈ જાનહાની નહીં થતાં હાશકારો

નખત્રાણા : કચ્છમાં જુદા જુદા વિસ્તારોમાં ભારે વિજલાઈન જર્જરીત વિજરેષાઓ તુટી રહ્યા છે, ત્યારે ગઈકાલે નખત્રાણા તાલુકાના મોટી અરલ ગામે સીમમાં વાડીમાંથી પસાર થતી વિજલાઈનનો રેસો શોર્ટ સર્કિંટના કારણે તૂટી પડતાં આગનો બનાવ બનવા પામ્યો હતો અને જોત જોતામાં પાંચેક વાડી આ આગની લપેટમાં આવી હતી.
બનાવના પગલે વિજકર્મીઓ તેમજ ગ્રામજનો અને આજુબાજુના ખેડૂતો દોડી આવી વાડી વિસ્તારમાં આવેલો પાણીના હોજમાંથી આગને કાબૂમાં લેવા પ્રયાસ કરાયા હતા. આમ છતાં પાંચેક વાડીઓમાં ભારે નુકસાન થવાની સાથે બળી ગઈ હતી.
આ સાથે ખડામાં રહેલા કાપણી કરેલા એરંડા સહિતનો પાક, પીવીસી પાઈપ લાઈન, મોટર કેબલ, બોરની મોટરના વિજ ઉપકરણો પણ આગમાં સળગી ગયા હતા. બપોરે મધ્યાહને લાગેલી આગને કાબૂ કરવા ગામના અગ્રણી મહિપતસિંહ જાડેજા, મોહનલાલ પટેલ, સરપંચ પ્રવીણસિંહ, શિવજીભાઈ ગોરડિયા, રૂપસંગજી, જશુભા સહિતના અગ્રણીઓ દોડી આવી આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી હતી.