મોટા સલાયામાં યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ

બાળા સાથે બાઈક ભટકાવતા ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો : અન્ય એક આરોપીને ઝડપી પાડવા પોલીસની કવાયત

 

માંડવી : શહેરની ભાગોળે મોટા સલાયામાં બાળા સાથે બાઈક ભટકાવવા મુદ્દે મામલો બિચકતા ચાર શખ્સોએ યુવાન ઉપર છરીથી જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ભાગી છૂટેલા ત્રણ આરોપીઓને ધરબોચી લઈ હવાલાતમાં ધકેલી દીધા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હત્યાનો બનાવ ગત તા. ર૭-૭-ર૦૧૮ના બનવા પામ્યો હતો. અબ્દુલ મજીદ આદમ હાજી સુમાર ચૌહાણના ફઈના દિકરા અબુબકરની પુત્રી આફરીના સાથે મોટર સાયકલ ભટકાવી સાહિલ મોદી નાસી છુટયો હતો. બાઈકના નંબર જોવા તૌસીફને મોકલ્યો હતો અને તૌસીફને સલીમ ચૌહાણે મોકલ્યો હોવાનો આરોપીઓને વ્હેમ જતા સમાધાન કરાવવા વચ્ચે પડેલા સલીમને આરોપીઓ રઝાક હાસમ હાલા, હમીદ હુસેન મોદી, સાહિલ ઈલિયાસ મોદી, આદમ ઈલિયાસ ભોલીજા (રહે. બધા મોટા સલાયા)એ સલીમ ઈબ્રાહીમ ચૌહાણના પેટમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હત્યારા નાસી છુટયા હતા. માંડવી મરીન પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦ર, પ૦૪, ૧૧૪ તથા જીપીએકટ ૧૩પ હેઠળ ગુનો નોંધી માંડવી મરીનના ઈન્ચાર્જ પીએસઆઈ વી. એચ. ઝાલાએ તપાસ હાથ ધરી હતી અને હત્યામાં સંડોવાયેલ રમઝાન હાસમ હાલા (ઉ.વ.૧૯), હમીદ હુસેન આદમ મોદી (ઉ.વ.ર૯), આદમ ઈસ્માઈલ આદમ ભોલીજા (ઉ.વ.ર૬) (રહે. રઝાક કોલોની, મોટા સલયા, તા.માંડવી)ની મોડી રાત્રે ધરપકડ કરી લીધી હતી.