મોટા ભિટારાના દુષિત પાણીના લીધે ૩૪ લોકોને ઝાડા-ઉલટી

આરોગ્ય વિભાગની તપાસમાં થયો ખુલાસોઃ જિલ્લા રોગચાળા અધિકારીની ટીમ દ્વારા કરાઈ તપાસ : વધુ ૪૦ ઘરોની લીધી મુલાકાત

ભુજ : બન્નીના મોટા ભિટારાના ૩૪ લોકોને બે દિવસ પૂર્વે ઝાડા – ઉલટી થતાં આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી, જેમાં ૩૪ લોકોને દુષિત પીવાના પાણીના કારણે ઝાડા – ઉલટી થયા હોવાનું જિલ્લા રોગચાળ નિયંત્રણ અધિકારી અરૂણકુમાર કર્મીએ જણાવ્યું હતું.
નાના લુણા ખાતે પાણી પુરવઠાનો સબ ટાંકો આવેલો છે અને તેમાં નરાથી પાણી આવે છે, પરંતુ છેલ્લા એકાદ માસથી લુણાના ટાંકામાં પાણી આવ્યું ન હોવાથી ટાંકામાં ગંદકી છવાઈ ગઈ હતી. અને ત્યારબાદ અચાનક બે દિવસ પૂર્વે પાણી આવ્યો હતો અને તે પાણીનો સપ્લાય મોટા ભિટારામાં કરવામાં આવ્યું હોવાથી ત્યાંના ૩૪ લોકોએ આ દુષિત પાણી પીધું હતું. જેના કારણે ઝાડા – ઉલટી થયા હોવાનું ગામના જાગૃત નાગરીક જત હારૂનભાઈએ જણાવ્યું હતું. ટાંકાની પાણી પુરવઠા બોર્ડ દ્વારા સાફ સફાઈ ન કરતાં આ રોગચાળો ફાટી નિકળ્યો હોવાનું ઉમેર્યું હતું.