મોગલધામ (કબરાઉ) ખાતે ભાગવત કથાનો પ્રારંભ

ભચાઉ : તાલુકાના કબરાઉ ખાતે આવેલા લોકોની આસ્થાના પ્રતિક સમા મોગલધામ ખાતે દુધઈ અંબાધામના હરિચરણ રેણુ સિદ્ધાર્થ મહારાજના વ્યાસાસને આજથી શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ નવાહન જ્ઞાનયજ્ઞ પુરાણનો પ્રારંભ કબરાઉના રામમંદિરથી કથા મંડપ સુધી વાજતે – ગાજતે નીકળેલી પોથીયાત્રા સાથે થયો હતો. કથાના મુખ્ય યજમાન વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા પરિવાર દ્વારા વડવાને પોથી અર્પણ કરાઈ હતી. કથાના પૂર્વે પાંકડસર જાગીરના મહંત કૃષ્ણદાસજી તેમજ અનસુયાદેવીએ આશિર્વચન પાઠવ્યા હતા. કથાનું દીપ પ્રાગટય મોગલધામ કબરાઉના સામતભા ગઢવી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ કર્યું હતું.
કથાના આયોજીત કાર્યક્રમમાં તા. ૬-૬ના રાત્રે ૯ઃ૩૦ કલાકે કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોની સંતવાણી યોજાશે. તા. ૮-૬ બપોરે ૧ઃ૩૦ કલાકે માતૃવંદના તા. ૧૦-૬ના રાત્રે ૯ઃ૩૦ કલાકે મનહરદાન ગઢવી સહિતના કલાકારોની સંતવાણી યોજાશે. કથાના મુખ્યદાતા તરીકે મેઘુભા નરભેસિંહ ઝાલા (પ્રમુખ, શક્તિધામ ટ્રસ્ટ, ભુજ)નો સહયોગ સાંપડ્યો છે.
કથાના આ ભગીરથ આયોજનને સફળ બનાવવા નરેન્દ્રદાન ગઢવી, કુલદીપસિંહ જાડેજા (ભચાઉ નગરપતિ), અશોકસિંહ ઝાલા, કાનજી જગા રાવરિયા, શૈલેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, રઘુભા વાઘેલા, રાણુભા જાડેજા, સબળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, નારાણભાઈ સંઘાર, પ્રવીણસિંહ જાડેજા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. કથા શ્રવણનો બહોળી સંખ્યામાં લાભ લેવા આયોજકો દ્વારા જણાવાયું છે.