મોખા પાસે ગાંજા સાથે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ

પશ્ચિમ કચ્છ એસઓજીએ ર૧ હજારના સાડા ત્રણ કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા

મુંદરા તાલુકાના મોખા નજીક જીઈબી સબ સ્ટેશન સામે છસરા ફાટક પાસેથી એસઓજીએ બે શખ્સોને સાડા ત્રણ કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડયા હતા, તે આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસ.પી. એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ આર.જે. શુકલ તથા તેમની ટીમ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મુંદરા- અંજાર હાઈવે પર બે ઈસમો સફેદ કલરની એક્ટિવા પર આવી રહ્યા હોવાની સચોટ બાતમીના આધારે મોખા જીઈબી સબ સ્ટેશન સામે છસરા ફાટક પાસે વોચમાં હતા.
દરમ્યાન બાતમીવાળી એક્ટિવા જીજે ૧ર ડીકે ૦૧૧૪ આવતા તેને રોકાવી તલાસી લેતાં અંજારના મોહંમદ હાજી મહોમંદ હુશેન સૈયદ તથા મહેન્દ્રસિંહ ભોપાલસિંહ પરમારને પકડી પાડ્યા હતા, તેમના પાસેથી ત્રણ કિલો ૬પ૦ ગ્રામ ગાંજો મળી આવતા ર૧ હજારની કિંમત આંકી કબજે કર્યો હતો.
બે મોબાઈલ તથા એક્ટિવા મળી ૬૩૦૦૦નો મુદ્દામાલ કબજે કરી મુંદરા પોલીસ મથકે બંને સામે નારકોટીકસ હેઠળ ફોજદારી નોંધાવી હતી. આરોપીઓ ગાંજાનો જથ્થો કયાંથી મેળવી ડિલિવરી કોને આપવા જતા હતા. અગાઉ ગાંજાની કેટલી ખેપ મારેલ તે વિગતો જાણવા રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલ છે.
ગાંજાનો જથ્થો પકડી પાડવા પીઆઈ આર.જે. શુકલ સાથે સ્ટાફના વાછિયાભાઈ ગઢવી, હરિલાલ બારોટ, વિજયસિંહ યાદવ, મદનસિંહ જાડેજા, સુનિલ પરમાર, નરેશ ભુસડિયા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ વિગેરે જોડાયા હતા.