મોખા ટોલગેટ પર થતી મનમાની સામે  મુન્દ્રા લોકલ ટ્રક એસો. લાલધુમ

એસો.ના હોદ્દેવારો, સભ્યો સહિતનાઓએ ટોલ મેનેજર સમક્ષ કરી ધારદાર રજૂઆત : વાહન ચાલકોની કનડગત સત્વરે બંધ કરવા બુલંદ માંગ

મુન્દ્રા : તાલુકાના મોખા ટોલગેટ પર ટ્રાન્સપોર્ટરો તેમજ વાહન ચાલકોને પ્રારંભથી જ થઈ રહેલા અન્યાય મુદ્દે વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતા તેનું કોઈ નિરાકરણ આવેલ નથી. મોખા ટોલ નાકે તગલખી નિર્ણયો લઈ યેનકેન પ્રકારે વાહન ચાલકોને પરેશાન કરવાની નીતિ જ અપનાવાતી હોઈ આ મનમાની સામે મુન્દ્રા લોકલ ટ્રક એસોસિએશન લાલધુમ થતા વાહન ચાલકોની કનડગત સત્વરે બંધ કરવા બુલંદ માંગ કરવામાં આવી હતી. મુન્દ્રા લોકલ ટ્રક એસોસિએશનના હોદ્દેદારો, સભ્યોએ આજે મોટી સંખ્યામાં મોખા ટોલનાકે ધસી જઈ ટોલ મેનેજર સમક્ષ અન્યાય મુદ્દે ધારદાર રજૂઆતો કરી હતી. એસો.ના મંત્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવેલ કે મોખા ટોલનાકા દ્વારા ગાડી દીઠ રૂ.૩૦૦૦નું રીચાર્જ કરવાનું નક્કી કરવામાં આવેલ છે અને આ રીચાર્જનો ઉપયોગ ૩ મહિનામાં કરી નાખવો ફરજિયાત કરવામાં આવેલ છે. આ બાબતે ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકશાની વેઠવી પડે તેમ હોઈ સમય મર્યાદા દૂર થાય, ટોલનાકે વે-બ્રિજ પર ખાલી ગાડીનું વજન પણ વધારે બતાવાતું હોઈ તેની તપાસ થાય, લોકલ ફોર વ્હીલર માટે રૂ.૧૦૦ના પાસની સેવા ફરીથી ચાલુ થાય, લોકલ વાહન ધારક ન હોવા છતાં જે પાસો બનેલ છે તેની તપાસ થાય, બંદર સ્થિત સીએફએસ દ્વારા આકરો પાર્સીંગ ચાર્જ વસુલાત, પોર્ટ પર લોડીંગ – અનલોડીંગમાં થતો રૂ. ૩૦૦૦નો તોતીંગ ખર્ચ સહિતના મુદ્દે ચર્ચા કરી રજૂઆતો કરવામાં આવી હતી. મોખા ટોલગેટના મેનેજર પ્રવિણ યાદવે જણાવેલ કે મુન્દ્રા લોકલ ટ્રક એસોસિએશનની જુદા જુદા મુદ્દે રજૂઆતો મળતા તેને નેશનલ હાઈવે ઓથોરીટી સમક્ષ મુકાશે તો એસો.ને પણ આ મુદ્દે એક પત્ર નેશનલ હાઈવે ઓથોરીટીને મુકવા જણાવાયું છે. આ વેળાએ પ્રમુખ થાવરભાઈ રબારી, રામજીભાઈ આહીર, મોહનભાઈ ગઢવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.