મોંઘવારી મુદ્દે રાજકોટમાં કોંગી મહિલાઓએ ડુંગળીનો હાર,સાયકલ સાથે વિરોધ પ્રદર્શન કર્યું

(જી.એન.એસ.)રાજકોટ,રાજકોટમાં આજે શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ડુંગળીનો હાર, સાઈકલ, તેલના ડબ્બા સાથે ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત કપાસિયા ખોળમાં ભેળસેળને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને કપાસિયા ખોળનું વેંચાણ થતું અટકાવવા રજુઆત કરવામાં આવી હતી.રાજકોટમાં આજે શહેર મહિલા કોંગ્રેસે મોંઘવારી મુદ્દે અનોખો વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ દ્વારા ખાદ્યતેલ, પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, અનાજ સહિતમાં ભાવ વધારાને લઈને વિરોધ કર્યો હતો અને ડુંગળીના હાર પહેરી, તેલના ડબ્બા લઈ મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલા મહિલા પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરી હતી.
રાજકોટમાં આજે ભારતીય કિસાન સંઘ દ્વારા કપાસિયા ખોળમાં અન્ય વસ્તુ ભેળસેળ કરીને કપાસિયા ખોળનું વેંચાણ થતું અટકાવવા બાબતે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને રજુઆત કરવામાં આવી હતી. કિસાન સંઘ દ્વારા કપાસિયા ખોળની લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. લેબના રિપોર્ટમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું હતું. આ રજુઆતમાં કિસાન સંઘ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો સરકાર આ ભેળસેળીયા ધંધાર્થીને અટકાવવામાં નહિ આવે તો કિસાન સંઘ ભેળસેળ કરતા ધંધાર્થીને ત્યાં રેડ પાડશે.