મે મહિનામાં PM મોદી ગુજરાતના પ્રવાસે આવશે

ગાંધીનગર : દહેજ-ઘોઘા વચ્ચે શરૂ થયેલી રો રો ફેરી સર્વિસ બાદ હવે ટૂંક સમયમાં કાર્ગો હેન્ડલિંગ સુવિધા પણ શરૂ થવા જઇ રહી છે. સંભવતઃ મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેવાના લોકાર્પણ માટે ગુજરાતના પ્રવાસે આવશે તેમ કેન્દ્રીય શિપિંગ અને પેટ્રોકેમિકલ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. પત્રકારો સાથેની ઔપચારિક વાતચીતમાં માંડવીયાએ જણાવ્યું હતું કે, દહેજ-ઘોઘા ફેરી સર્વિસને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. હાલ આ સેવા ચાલી રહી છે તેમાં ટૂંક સમયમાં કોઇપણ નાગરિક પોતાના વાહનો સાથે જ દહેજ-ઘોઘા વચ્ચે આવનજાવન કરી શકશે. આ જહાજમાં કાર્ગોની સાથે નાગરિકો પોતાના વાહનો સાથે જ ફેરી સર્વિસનો લાભ લઇ શકશે.