મેસપરમાં ચૂંટણીના વેરમાં કોન્સ્ટેબલની હત્યા કરનાર ૪ આરોપીને આજીવન કેદની સજા

(જી.એન.એસ.)રાજકોટ,ગોંડલના સેશન્સ કોર્ટના જજ એચ.પી. મહેતાએ ગોંડલ તાલુકાના મેસપર ગામે ૨૦૧૭માં ચૂંટણી સબંધી વેરઝેરમાં પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજાની હત્યા અને તેના પિતરાઈ અનિરૂદ્ધસિંહ જાડેજાની હત્યાની કોશિશના ગુનામાં ૪ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ રાજકોટમાં જમીનના વિવાદમાં ૨૦૦૯માં બિલ્ડર ડાયાભાઈ કોટેચાની શૈલેન્દ્ર જાડેજાએ હત્યા કરી હતી. આ કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે આજીવન કોર્ટની સજા ફટકારી હતી. પરંતુ આરોપીએ હાઇકોર્ટની ડિવીઝન બેંચમાં અપીલ કરી હતી. પરંતુ હાઇકોર્ટે તેની અપીલ ફગાવી સજા કાયમ રાખી છે.ગોંડલ તાલુકાના મેસપર ગામમાં ૨૦૧૮માં થયેલી પંચાયતની ચૂંટણીઓમાં થયેલી હરિફાઈના કારણે મેસપર ગામના રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા, માધુભા પ્રવિણસિંહ જાડેજા, મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા, ક્રિપાલસિંહ અજીતસિંહ જાડેજા અને બાળ આરોપીએ અનિરૂદ્ધસિંહ જાડેજાને બાઇક પરથી પછાડી તેના માથા ઉપર કુહાડીનો ઘા મારી હત્યાની કોશિશ કરી હતી. અનિરૂદ્ધસિંહ પોતાના બચાવ માટે પોતે મરણ ગયેલ હોવાનું નાટક કર્યું હતું. જેથી પાંચેય આરોપીઓએ આ વ્યકિત મરી ગયા હોવાનું સમજ્યા હતા. આ સમયે સામેથી આવી રહેલા અનિરૂદ્ધસિંહના પિતરાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજાને પણ આ પાંચેય આરોપીઓએ બાઇક પરથી પછાડી દઈ તલવાર, ધારીયુ અને કુહાડીના ઘા માર્યા હતા.