મેઘાલયમાં હવે એકલા હાથે ચૂંટણી લડવા ભાજપ ઇચ્છુક

ઉમેદવારોની યાદીને તૈયાર કરીને કેન્દ્રિય ચૂંટણી સમિતી પાસે મોકલી દેવામાં આવ્યા બાદ ટુંકમાં સત્તાવાર મંજુરી

ગુવાહાટી : મેઘાલયમાં ક્ષેત્રીય દળો સાથે ગઠબંધનની અટકળોને ફગાવી દઇને ભાજપે એકલા હાથે ચૂંટણી લડવા માટેની તેની યોજના જાહેર કરી દીધી છે. આ નિર્ણયને રાજકીય રીતે ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે મેંઘાલયમાં તેનુ નેટવર્ક નબળુ રહેલુ છે. પાર્ટીએ રાજ્યની તમામ ૬૦ સીટ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી તૈયાર કરી લીધી છે. આ યાદી તૈયાર કરીને તેને મંજુરી માટે કેન્દ્રિય ચૂંટણી સમિતિને મોકલી દેવામાં આવ્યુ છે. ભાજપના મેઘાલય યુનિટના અધ્યક્ષ શિબુન લિંગદોહે કહ્યુ છે કે આ વખતે અમારુ વલણ એ છે કે અમે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરીશુ. અમે કેન્દ્રિય ચૂંટણી સમિતિને ૬૦ ઉમેદવારોની યાદી મોકલી ચુક્યા છીએ. અમે તમામ સીટો પર ચૂંટણી લડીશુ. કેન્દ્રિય ચૂંટણી સમિતિ આ અંગે પણ અંતિમ નિર્ણય કરનાર છે. જે યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં ૧૦૦ ઉમેદવારોના નામ મોકલી દેવામાં આવ્યા છે. આ તમામ ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. ઉમેદવારોની અંતિમ યાદી આગામી સપ્તાહ સુધી તૈયાર કરી લેવામાં આવનાર છે. તેમણે કહ્યુ હતુ કે ઉમેદવારોની યાદી તૈયાર કરી લેવામાં આવ્યા બાદ અને આને મંજુરી મળ્યા બાદ વ્યાપક પ્રચારની શરૂઆત કરવામાં આવનાર છે. મેંઘાલયમાં જુદા જુદા પક્ષો વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી રહી છે. ચૂંટણી પંચે ગુરૂવારના દિવસે જ ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. આ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં ૧૮મી ફેબ્રુઆરીના દિવસે ત્રિપુરામાં વોટિંગ થશે. બીજા તબક્કામાં ૨૭મી ફેબ્રુઆરીના દિવસે મેઘાલયમાં અને નાગાલેન્ડમાં મતદાન થશે. ત્રીજી માર્ચના દિવસે ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તે જ દિવસે પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી વેળા વીવીપેટનો ઉપયોગ કરાશે. દરેક વિધાનસભા સીટમાં એકએક પોલિંગ સ્ટેશન પર વીવીપેટ રાખવામાં આવશે.