મેઘપર (કુંભારડી)માં દોઢ કરોડની દોઢ એકર સરકારી જમીન કરાઈ દબાણમૂક્ત

નર્મદા કેનાલના સ્થળ પર બનાવાયું હતું બ્લોકનું કારખાનું : બે દિવસના વિરામ બાદ આજે ફરી દબાણો તૂટતા અન્ય જમીન પચાવનારા તત્ત્વોમાં ફફડાટ

અંજાર : અંજાર અને ગાંધીધામ તાલુકામાં ભૂ-માફિયાઓ દ્વારા દબાણ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા મેઘપર (કુંભારડી) અને વરસામેડી ખાતે અંદાજિત પથી ૬ કરોડની સરકારી જમીન ખુલી કરાવામાં આવી હતી.
ઈદ અને વાસી ઈદ બાદ ફરી તંત્ર દ્વારા દબાણ હટાવાની કામગીરીના શરૂ કરવામાં આવી છે ત્યારે મેઘપર (કુંભારડી) ખાતે જ્યાં નર્મદા કેનાલની લાઈન નીકળે છે તે જગ્યા પર સરકારી અને ખાનગી જમીન પર બ્લોકનું કારખાનું બનાવાયું હતું તેને દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવામાં આવી હતી.અંજાર સર્કલ ઓફિસર જે.સી. ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું કે, અંજાર તાલુકાના મેઘપર (કું) ખાતે નર્મદા કેનાલની જ્યાં લાઈન નીકળે છે ત્યે જગ્યા પર સરકારી અને ખાનગી જમીન પર દેવરાજ અરજણ મ્યાત્રા દ્વારા તેના પર કબજો કરી બ્લોકનો કારખાનું બનાવાયું હતું. અગાઉ પણ તંત્ર દ્વારા આ દબાણ સ્વૈચ્છાએ હટાવવા નોટિસો અપાઈ હતી છતાં પણ દબાણ ન હટાવાતા આજરોજ મામલતદાર એ.બી. મંડોરી તથા પોલીસને સાથે રાખીને અંદાજિત દોઢ કરોડની દોઢ એકર સરકારી જમીન ખુલ્લી કરાવામાં આવી છે તેવું તેમણે ઉમેર્યું હતું.