મેગા બ્લડ ડોનેશન કેમ્પ : પશ્ચિમ કચ્છ એસપીની પ્રેરણાદાયક પહેલ

ભુજમાં રોટરી કલબ ઓફ ભુજ વોલસિટી દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું કરાયું આયોજન : પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘે રકતદાન કરી પોલીસકર્મીઓને આપી પ્રેરણા

ભુજ : કોરોના કાળમાં રકતની અછત વર્તાઈ રહી છે, તેવામાં કચ્છની વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજી રકતની અછત પૂર્ણ કરવા કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે રોટરી કલબ ઓફ ભુજ વોલસિટી તેમજ અન્ય ર૦ થી રપ સંસ્થાઓના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘે રકતદાન કરી પ્રેરણાદાયક પહેલ કરી હતી.આ અંગેની વિગતો મુજબ શહેરની લોહાણા મહાજનવાડી ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ મુખ્ય મહેમાન તરીકે આવેલા પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘે રકતદાન કરી કેમ્પને ખુલ્લો મુકયો હતો. તેમની સાથે અન્ય પોલીસકર્મીઓ પણ રકતદાન કર્યું હતું. રોટરી કલબ ઓફ ભુજ વોલસિટીના પ્રમુખ રાજેશભાઈ માણેકે જણાવ્યું કે, હાલ કોરોનાના લીધે લોહીની જરૂરીયાત વધવા લાગી છે, પરંતુ કોરોનાકાળમાં રકતદાનનું પ્રમાણ ઘટતા રકતની ઉણપ વર્તાઈ રહી છે, ત્યારે આ જરૂરીયાતને પરિપૂર્ણ કરવા કલબ તેમજ અન્ય ર૦ થી રપ સંસ્થાઓ સાથે મળીને મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કલબ દ્વારા વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરાઈ રહ્યું છે. વધુમાં વધુ લોકો રકતદાન કરી રસીકરણ કરાવે તેવી અપીલ પણ તેમણે કરી હતી. કેમ્પના પ્રોજેકટ ચેરમેન લખમશીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, કચ્છમાં અનેક સંસ્થાઓ બ્લડ ડોનેશન કેમ્પ યોજી રકત એકત્ર કરી જરૂરીયાત મંદ લોકો સુધી રકત પહોચે તે માટેના પ્રયાસ કરી રહી છે તેના ભાગરૂપે રોટરી કલબ ઓફ ભુજ વોલસિટી દ્વારા આ કાર્યમાં સહભાગી થવાના હેતુસર આયોજન કરવામાં આવ્યું છે.આજના આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં પ૪૩ બોટલ રકત એકત્ર કરવાનું નિર્ધારીત કરાયું છે. પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘે જણાવ્યું કે, રકતદાન કરવું અતિ આવશ્યક છે. રકતદાન કરવાથી આપાતકાલીન સ્થિતિમાં જરૂરીયાતમંદ લોકો સુધી રકત પહોંચાડી શકાય છે. રોટરી કલબ ઓફ ભુજ વોલસિટી દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું છે બિરદાવવા લાયક છે. એસપીશ્રીએ અન્ય લોકોને રકતદાન કરવા જરૂર આગળ આવવું જોઈએ તેવી અપીલ પણ કરી હતી.આ કેમ્પમાં સેક્રેટરી નિરજભાઈ શાહ, જયેશભાઈ શાહ, ધવલભાઈ રાવલ, હિંમતભાઈ દામા, રાજનભાઈ મહેતા, ડીવાયએસપી શ્રી દેસાઈ તેમજ અન્ય પોલીસકર્મીઓ અને કલબના મેમ્પરો હાજર રહ્યા હતા.