મેકરણદાદાની જન્મભૂમિ નાની ખોંભડીના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે : જયંતિભાઈ ભાનુશાલી

નાની ખોંભડી ગામે સંત મેકરણદાદાની ૩પ૦મી જન્મજયંતિ આસ્થાભેર ઉજવાઈ : આ સ્થળે ભોજનાલયનો પ્રારંભ કરાવવા દાતાઓ આગળ આવ્યા : વિવિધ કાર્યક્રમો યોજાયા

ખોંભડી નાની : કચ્છના છેવાડાના રપ વિસ્તારમાં સેવાની આહલેખ જગાડનાર સંત મેકરણદાદાની ૩પ૦મી જન્મ જયંતિ જન્મભૂમિ નાની ખોંભડી ખાતે આસ્થાભેર ઉજવાઈ હતી. દશેરાના દિવસે મેકરણદાદાના મંદિરે સવારે મહાઆરતી યોજાઈ હતી. ભજન-ધૂન બાદ સમૂહભોજનનું આયોજન કરાયું હતું. ત્યારબાદ સમારોહમાં ઉપસ્થિત રહેલા પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીએ કહ્યું હતું કે, નાની ખોંભડી મેકરણદાદાના મંદિરે નિત્ય ભોજનાલય શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. મેકરણદાદાનો મંત્ર હતો કે જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી રણમાં આપનાર મેકરણદાદા કચ્છના કબીર હતા. આ સ્થાનકના સર્વાંગી વિકાસ માટે સખીદાતા – સરકાર તમામ પ્રયાસો કરશે. જૂનાગઢના હાજલદાદા અખાડાના લઘુ મહંત ભરતદાદા કાપડીએ આશીર્વચન આપતા કહ્યું હતું કે, મેકરણદાદા કોમી એકતાના પ્રતિક હતા. તેમના જીવનમાંથી સદ્દગુણો ધારણ કરીને મનુષ્યએ સત્કાર્ય કરવા જાઈએ તેવી શીખ આપી હતી. એપીએમસીના પૂર્વ ચેરમેન કાનજીભાઈ હરિરામ કાપડીએ કહ્યું હતું કે, રાજકીય – ધાર્મિક – સામાજિક ક્ષેત્રના તમામ પદાધિકારીઓ દ્વારા આ સ્થાનકને વિકસાવવાનતી નેમ છે. અત્રે ટૂંક સમયમાં ભોજનાલય શરૂ થશે. તે માટે તેઓ સાદય પ્રવૃત્ત રહેશે. તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પલણે પ્રાસંગિક પ્રવચનમાં નખત્રાણા તાલુકાના તમામ તીર્થધામો – પ્રવાસન ક્ષેત્ર વિકસી રહ્યા છે તેમાં નાની ખોંભડીએ સંત મકેરણદાદા આપ્યા છે તો મોટી ખોંભડીએ વીર વિઠ્ઠલ જેવા શહીદવીરો આપ્યા છે. મહાપ્રસાદમાં અઢાર વર્ણના લોકોએ એક પંગતે બેસીને કોમી એકતાનો દાખલો બેસાડ્યો હતો. મહાપ્રસાદના દાતા કાયમી છે તે સ્વ. માવજી શીવજી છાભૈયા પરિવાર અને જાડેજા પતુભા ડુંગરજી પરિવારના પ્રતિનિધિઓને સન્માનવામાં આવ્યા હતા. જિ.પં. સદસ્ય વસંતભાઈ વાઘેલાએ હરિજન સમાજ ભગીરથ કાર્યમાં સહયોગ આપશે તેમ જણાવ્યું હતું. જાણીતા ભજનીક જીતુગિરિ અરજણગિરિ ગોસ્વામ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુભાઈ ધનાણી, ધીરજાદાદ કાપડી (મોડવદર), મંદિરના પૂજારી સંત પચાણદાસજી દાદા, ભગવાનજી કાપડી, પૂર્વ સરપંચ મુરૂભા જાજા, ક્ષત્રિય આગેવાન વિસાજી પી. જાડેજા, નવલસિંહ જાડેજા, બીઆરસી રામુભા વી. જાડેજા, સરપંચ ઈનરજીતસિંહ જાડેજા સહિત નાની-મોટી ખોંડીના સેવકગણ આ અવસરે ઉપસ્થિત રહી શોભા વધારી હતી. કાર્યક્રમનું સંચાલન કાનજીભાઈ કાપડીએ કર્યું હતું. આભારવિધિ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.