મુફ્તિ-એ-આઝમ કચ્છના નાના પુત્ર સૈયદ અબુબકરશા જન્નત નશીન થયા

૧૯ દિવસ કોરોનાની બીમારી સામે લડ્યા બાદ અમદાવાદ ખાતે થયું અવસાન : ૪૫ દિવસમાં મુફ્તિ-એ-આઝમ સૈયદ અહેમદશા બાવા તેમના મોટા પુત્ર સૈયદ અનવરશા તથા આજે સૌથી નાના પુત્ર સૈયદ અબુબકરશાનું ૪૯ વર્ષની વયે નિધન થતા સમગ્ર કચ્છનો મુસ્લિમ સમાજ ઘેરા શોકમાં : કોવિડની સ્થિતિ અન્વયે રૂબરૂ મુલાકાત ટાળવા કરાઈ અપીલ

ગાંધીધામ : મુફ્તિ-એ-આઝમ કચ્છના નાના પુત્ર સૈયદ અબુબકરશા જન્નત નશીન થતા સમગ્ર મુસ્લિમ સમાજમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. ૧૯ દિવસ કોરોનાની બીમારી સામે લડ્યા બાદ અમદાવાદ ખાતે તેઓનું અવસાન થયું હતું. ૪૫ દિવસમાં મુફ્તિ-એ-આઝમ સૈયદ અહેમદશા બાવા તેમના મોટા પુત્ર સૈયદ અનવરશા તથા આજે સૌથી નાના પુત્ર સૈયદ અબુબકરશાનું ૪૯ વર્ષની વયે નિધન થતા સમગ્ર કચ્છનો મુસ્લિમ સમાજ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે.છેલ્લા ૧૯ દિવસથી કોરોનાની બીમારી સામે લડતા મુફ્તિ-એ-કચ્છના સૌથી નાના પુત્ર સૈયદ અબુબકરશાનું આજે વહેલી સવારે ૯ વાગ્યે અમદાવાદની સીમ્સ હોસ્પીટલ ખાતે સારવાર દરરમિયાન અવસાન થયું હતું જે સમાચાર વાયુ વેગે સમગ્ર કચ્છમાં ફરી વળતા સમગ્ર સમાજ સ્તબ્ધ બની ગયો હતો. ૪૫ દિવસમાં મુફતિ સાહેબના પરીવારમાં મુફ્તિ સાહેબ સહિત તેમના બે દીકરાનું અવસાન થતા સમગ્ર પરીવાર સાથે મુસ્લિમ સમાજ માથે આભ ફાટ્યું તેવી સ્થિતિ સર્જાઈ છે.સતત ૧૯ દિવસ અમદાવાદમાં સાથે રહેનાર હાજી જુમા રાયમાએ વિગતો આપતા જણાવ્યું કે, ગત તા ૪/૫ના સૈયદ અબુબકરશા કોરોના સંક્રમીત થયા હતા. પ્રાથમિક સારવાર માંડવી ખાતે અપાયા બાદ તેઓને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ડો. વિપુલ ઠક્કર, ડો. અમીત પટેલ સહીતની ટીમે સતત દેખરેખ રાખી સારવાર આપી અન્ય મુંબઈ તથા મદ્રાસ ખાતે ડોકટરોની સલાહ પણ લેવામાં આવી પણ મોત સામે તમામ તાકાતો નાકામ નીવડી હતી. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના કાર્યવાહક પ્રમુખ સુલેમાન સોઢાએ દુઃખ વ્યક્ત કરી સમિતિના સભ્યો સહિત મુસ્લિમ પરિવારોને જન્નત નશીન થયેલ અબુબકરશા સૈયદ માટે દુઆ ગુજારવા અપીલ કરી હતી.હાજી જુમા રાયમાએ જણાવ્યું કે, મુફ્તિ સાહેબના ચારેય દીકરાઓ સૈયદ અમીનશા, સૈયદ હુશેનશા, સૈયદ કાસમશા, સૈયદ ઓસમાનશાએ પોતાના પરીવારમાં બે બનાવો બની જતા સારવાર માટે પૈસાનો ધોધ વહેડાવ્યો સાથે તમામ મુસ્લિમ સમાજને દુઆઓ માટે અપીલ કરી પણ તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા જીંદગી અને મોત માલીકના હાથમાં છે જ્યાં દોલત તાકાત કે કોઈ ઓળખાણ કામ આવતી નથી. દરમિયાન રાજ્ય સભાના સાંસદ શકિતસિહ ગોહિલે પણ હાજી જુમા રાયમા તથા હોસ્પિટલના સત્તાધિશો સાથે સંપર્કમાં રહી મદદરૂપ બન્યા હતા. સૈયદ અબુબકરશા પોતાના વાલીદ તથા મોટા ભાઈના પંથે ચાલી નીકળ્યા છે ત્યારે હાજી જુમા રાયમાએ તેમના પરીવારને સાંત્વના આપતા જણાવ્યું કે, માલીક પોતાના હબીબે પાકના સદકે સૈયદ અબુબકરશાને જન્નતમાં આલા મકામ આપે અને પરિવારજનોને સબ્રે જમીલ અતા કરે.હાલની કોવિડની સ્થિતિ અન્વયે પરિવાર દ્વારા લોકોને સ્પષ્ટ જણાવાયું છે કે, કોવિડના કારણે સિમિત સભ્યોની હાજરીમાં આજે સાંજે દફનવિધિ કરવામાં આવશે. દફનવિધિ વખતે પરિવારના સિમિત સભ્યો સિવાય કોઈએ પણ હાજર રહેવું નહીં. તેમજ પરિવારજનોની રૂબરૂ મુલાકાત પણ ટાળવી, સૈયદ અબુબકરશાને જન્નત નશીન અદા થાય તે માટે ઘરે અને મસ્જિદમાં દુઆ ગુજારવા પરિવાર દ્વારા જણાવાયું છે.
સૈયદ હાજી અબુબકરશાના નિધન બદલ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના કાર્યકારી પ્રમુખ હાજી સુલતાન સોઢા, સૈયદ રફીકશાહ બાપુ (ખારીરોહર) સૈયદ અભામિયા અબ્દુલ કાદરશાહ (મીઠીરોહર), સૈયદ શેર અલીશાહ બાપુ, સૈયદ અનવરશાહ બાપુ, સૈયદ હાજી મોહમ્મદશાહ પીર પળેલશા (કણખોઈ), સૈયદ કાસમશાહ, પૂર્વ પ્રમુખ હાજી ઈબ્રાહિમ હાલેપોત્રા, જુસબ ભચુ બાફણ (નાગિયારી સરપંચ), ઈસ્માઈલ સાલે બાફણ, આદમભાઈ પઢિયાર, હનિફ બાવા પઢિયાર, અબ્દુલ્લા રાયમા, ગુલામ હુસેન બારાચ, સતાર માંજોઠી, રમઝાન સુમરા, સાલે મહંમદ પઢિયાર, રઝાક હિંગોરા, સહિતના આગેવાનોએ દુઃખ વ્યક્ત કરી મર્હુમ માટે દુવા ગુજારવા અપીલ કરી હતી. કચ્છ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી ગુલામ સુહેન બારાચે પણ શોક વ્યક્ત કરી દુઆ ગુજારવા અપીલ કરી હતી