મુન્નાભાઈ એમબીબીએસોનો વધતો વ્યાપ : ઊંટવૈધોનો કચ્છવ્યાપી જોખમી રાફડો

કચ્છીજનોના આરોગ્યની સાથે દેશની સુરક્ષા માટે પણ ખતરારૂપ : સુરજબારીથી લઈને છેવાડાના જખૌ-લખપત સુધી ઉંટ વૈદ્યો સક્રિય : હપ્તાના
સેટીંગ થકી બોગસ તબીબોને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવાનું
અપાયું લાયસન્સ : અગાઉ ૩પ બોગસ તબીબોની યાદી જાહેર કરી માની લેવાયો હતો સંતોષ : નાડાપામાંથી બોગસ દાકતર પકડાયો એ પાશેરામાં પુણી સમાન : વરસાણામાંથી બાંગ્લાદેશી બોગસ કપાઉન્ડર પણ ઝડપાઈ ચૂકયો છેઃ કચ્છએ સરહદી જિલ્લો હોઈ ઊંટ વૈદ્યોની આડમાં દેશ વિરોધી તત્વો સુરક્ષા વ્યવસ્થા સામે ઉભા કરી શકે છે ગંભીર પ્રશ્નો

 

 

ભુજ : કચ્છ જિલ્લામાં જાહેર આરોગ્યની સેવા સુદ્રઢ બનાવવા માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરાઈ રહ્યા હોવા છતા તેને હજુ સુધી ધારી સફળતા મળી નથી જેનો પુરેપુરો ગેરલાભ ઉઠાવી મુન્નાભાઈ એમબીબીએસ એટલે કે બોગસ તબીબોએ જિલ્લાભરમાં પોતાના હાટડાઓ માંડી ધીકતી પ્રેક્ટીસ ચલાવી રહ્યા છે પરંતુ આ બોગસ તબીબોમાં કેટલાક બાંગ્લાદેશ સહિતના દેશોના પણ વતની હોઈ તેઓ કચ્છીજનોના આરોગ્યની સાથે દેશની સુરક્ષા માટે પણ ખતરારૂપ સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ પોલીસે ભુજના નાડાપામાંથી એક બોગસ દાકતરને પકડયો એ તો પાશેરામાં પુણી પણ ન કહી શકાય તેટલી સંખ્યામાં ડીગ્રી વિહોણા બોગસ તબીબો ગેરકાયદે હાટડા ચલાવી રહ્યા છે. અલબત જેનું આ કામ છે એ આરોગ્ય તંત્ર માત્ર જાહેરનામા બહાર પાડીને બેસી રહે છે. કાં તો આવા જોખમી અનઅધિકૃત તબીબો પ્રત્યે આંખ મીચામણા કરી રહ્યા છે અથવા તો તેમના સાથે ‘સેટીંગ’ હોય એવી શંકા જાગૃત નાગરિકોને જઈ રહી છે. નાડાપામાંથી પણ આરોગ્ય તંત્રે નહીં પોલીસે ‘મુન્નાભાઈ’ને પકડયો હતો.
વિસ્તારની દૃષ્ટીએ કચ્છ જિલ્લો અતિ વિશાળ હોઈ દરેક સ્થળોએ પુરતા પ્રમાણમાં માળખાકિય સુવિધાઓ પૂરી પાડવી તંત્ર તેમજ સરકાર માટે અશક્ય બનતી હોય છે. આ માળખાકિય સુવિધામાં આરોગ્ય સુવિધાનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં પીએચસી-સીએચસીના વ્યાપમાં વધારો કરવા સતત પ્રયત્નો કરાઈ રહ્યા છે. પરંતુ ડોકટર સહિતના જવાબદારોની ઘટ, સતત ગેરહાજરીઓના કારણે આરોગ્ય સુવિધાના આ સ્થળો શોભાના ગાંઠીયા સમાન બની રહેવા પામ્યા છે. જેના લીધે ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધા મેળવવા માટે તાલુકાના મથકો અથવા તો ભુજ-ગાંધીધામ સુધી લંબાવવું પડતું હોય છે. લોકોની આ મજબુરી કહો કે જરૂરિયાત તેનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવી બોગલ તબીબોએ સુરજબારીથી લઈને છેવાડાના લખપત સુધી પોતાના હાટડાઓ માંડી દીધા છે.
આરોગ્ય તંત્ર સાથે હપ્તાના સેટીંગના લીધે કાર્યવાહીની બીક વિના આવા ઉંટ વૈદ્યો લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. હાલમાં જ જખૌમાંથી બે બોગસ તબીબો ઝડપાયાની આરોગ્ય તંત્ર કામગીરી કરાયાનો હાશકારો અનુભવી રહ્યું છે. પરંતુ ભૂતકાળમાં પણ ૩પ બોગસ તબીબોની યાદી જાહેર કરાઈ હતી. પરંતુ તે બાદ આવા બોગસ તબીબો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. બીજી તરફ અગાઉ વરસાણામાંથી બાંગ્લાદેશી બોગસ કમ્પાઉન્ડર ઝડપાઈ ચૂકયો છે અને વર્તમાને પણ અનેક લોકો કચ્છમાં ઉંટ વૈદ્ય તરીકે કાર્યરત છે. ત્યારે એ પણ ના ભૂલવું જોઈએ કે કચ્છએ સરહદી જિલ્લો હોઈ સુરક્ષાની દૃષ્ટીએ પણ અતિ સંવેદનશીલ જિલ્લો છે. ત્યારે આવા બોગસ તબીબો દેશની સુરક્ષા માટે પણ ખતરારૂપ બની શકે તેમ છે.