મુન્દ્રા બંદરે અકસ્માત ઃ યુવાનનું કરૂણ મોત

મોડી રાત્રે નિલગાય સાથે મારૂતિ કાર ભટકાતા સર્જાઈ કરૂણાંતિકા : કારમાં સવાર યુવાન તેમજ નિલગાયના થયા મોત : પોલીસે શરૂ કરી છાનભીન

 

મુન્દ્રા : શહેરની ભાગોળે અદાણી પોર્ટ ઈસ્ટગેટ સામે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં નિલગાય તથા કારમાં સવાર યુવાનનું મોત થયું હતું.
મુન્દ્રા પોલીસ સ્ટેશનના તપાસનીશ સહાયક ફોજદાર મુકેશકુમાર ડાંગીએ વિગતો આપતા જણાવેલ કે જીવલેણ અકસ્માતનો બનાવ ગતરાત્રીના ૧૧ઃ૪૦ના અરસામાં બનવા પામ્યો હતો. મારૂતી કાર નંબર આરજે. ૦૧. ટીએ. ૩પ૧૮ના ચાલક દિલીપકુમારે પોતાના કબજાની કારને પૂર ઝડપે હંકારતા ઇસ્ટગેટ સામે રોડની ગોલાઈમાં અચાનક નિલગાય આવતા કારને નિલગાય સાથે ભટકાવતા નિલગાયનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે કારમાં સવાર હરિયાણાના અરૂણ ડાંગર (ઉ.વ.રપ)ને ગંભીર પ્રકારની ઈજાઓ થતા પ્રથમ સારવાર મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં લઈ વધુ સારવાર માટે ગાંધીધામની સ્ટર્લીંગમાં રિફર કરવામાં આવેલ જ્યાં સારવાર દરમ્યાન વહેલી સવારે ૬ઃ૩૬ કલાકે દમ તોડી દીધો હતો. હતભાગીના મૃતદેહને રામબાગ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપેલ છે. જ્યાંથી કાગળો આવેથી કાર ચાલક સામે ગુન્હો નોંધવા કાર્યવાહી હાથ ધરેલ છે.