મુન્દ્રા પોલીસની વીરાંગના સ્પેશિયલ સ્ક્વોડની ધાક બેસાડતી કામગીરી

ધૂમ સ્ટાઇલથી દોડતાં બાઈક ચાલકો પર ઘોંસ બોલાવશે

મુન્દ્રા:  પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પીઆઈ મીતેશભાઈ બારોટની સૂચનાથી મુન્દ્રા વીરાંગના સ્પેશિયલ સ્ક્વોડની કામગીરી સરાહનીય રહી છે.
થોડા સમય અગાઉ મુન્દ્રાના રોટરી હોલમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાના લોકદરબારમાં બપોરે સ્કૂલ અને કોલેજ છૂટવાનાં સમયે છાત્રાઓને લૂખ્ખા રોમીયોનો ત્રાસ હતો, જે માટે મુન્દ્રા મહિલા વીરાંગના સ્ક્વોડ બપોરે સ્કૂલ છૂટવાનાં સમયે સી.કે.એમ. કન્યા વિદ્યાલય, પીટીસી કોલેજ તેમજ આર.ડી. પ્રાથમિક શાળા પાસે પેટ્રોલિંગ હાથ ધરી રહી છે અને પૂરઝડપે દોડતાં વાહનો પર કડક કાર્યવાહી કરી છે. સોમવારે બપોરે વીરાંગના સ્ક્વોડે બે સરકારી બુલેટથી કડક પેટ્રોલિંગ હાથ ધરી વાહન ચાલકોના લાયસન્સ ચેક કર્યા હતા અને પુરઝડપે જતાં વાહનચાલકોને રોકી સ્પીડ ઓછી કરવા જણાવ્યું હતું. વીરાંગના સ્ક્વોડની સ્કૂલ આજુબાજુની આ કામગીરીથી વાલીઓમાં પણ હર્ષની લાગણી ફેલાઈ છે અને એકાદ માસથી વીરાંગના સ્ક્વોડની આ કામગીરી ચાલુ છે. મહિલા વીરાંગના સ્ક્વોડના લક્ષ્મીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારી ટીમ સિનિયર સિટિઝન, એકલા-અટૂલા રહેતી મહિલાઓની પૂછા કરે છે તેમજ જરૂરતમંદ મહિલાઓને મેડિકલ સહિતની સુવિધાઓ પણ આપે છે. બે દિવસ પહેલા આ મહિલા ટીમે દેશી દારૂના ધંધાર્થીને ઝડપી લઈ ૪ લિટર દેશી દારૂ કબજે કર્યો હતો. મુન્દ્રા પીઆઈ મીતેશભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા વીરાંગના મહિલા સ્ક્વોડના રંજનબેન કનેલીયા, સવિતાબેન રબારી, જયશ્રીબેન જાેશીની ટીમ કામગીરી કરી રહી છે.