મુન્દ્રા-દહીસરામાંથી ૧ર.૩૩ લાખની વીજચોરી ઝડપાઈ

ચેક કરાયેલ ૮ર૯ કનેકશનો પૈકી ૭પમાંથી ઝડપાઈ ગેરરીતિ : આજે નખત્રાણા પંથકના વિજિલન્સના ધામા

ભુજ : પીજીવીસીએલ વિજિલન્સ દ્વારા ભુજ સર્કલ પર રડાર કેન્દ્રીત કરી વિવિધ ડિવીઝનોમાં ચેકીંગ કામગીરી હાથ ધરાઈ છે. પ્રથમ દિવસે માંડવી ડિવીઝનમાં સપાટો બોલાવાયા બાદ ગઈકાલે માંડવી સબ ડિવીઝનમાં સમાવિષ્ટ મુન્દ્રા ૧-ર તેમજ દહીસરા વિસ્તારમાં કરાયેલ ચેકીંગ દરમ્યાન ૧ર.૩૩ લાખની વીજચોરી ઝડપાઈ હતી.
વીજ તંત્ર દ્વારા માર્ચ માસના અનુસંધાને તમામ મોરચે સજ્જતા કેળવી લેવામાં આવી છે. એક તરફ બાકી વીજલેણા વસુલાત માટે સ્થાનિકેથી ટીમો મેદાને ઉતરી છે તો બીજી તરફ વીજચોરી ઝડપવા વિજિલન્સનો પણ ધામા નાખ્યા છે. ત્યારે ભુજ સર્કલમાં હાથ ધરાયેલ કામગીરી અંતર્ગત ગઈકાલે માંડવી સબ ડિવીઝનના મુન્દ્રા ૧-ર તેમજ દહીસરા વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરાઈ હતી.
જેમાં ૩ર ટીમોએ ૮ર૯ કનેકશનો ચેક કર્યા હતા જે પૈકી ૭પ કનેકશનોમાં ગેરરીતિ ઝડપાતા ૧ર.૩૩ લાખનો દંડ ફટકારાયો હતો. પુરતા સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલ ચેકીંગના પગલે વીજચોરોમાં પણ ફફડાટ ફેલાયો હતો. તો આજે નખત્રાણા વિસ્તારમાં વિજિલન્સ દ્વારા કનેકશન ચેકીંગ હાથ ધરાઈ હતી. ત્યારે સાંજ સુધીમાં મોટી વીજચોરી ઝડપાવવાની પુરેપુરી શકયતા સેવાઈ રહી છે.