મુન્દ્રા તા.પં.માં પાર્ટીના મેન્ડેટ વગર કારોબારી ચેરમેનની નિમણૂંકથી વિવાદ

મેન્ડેટ વિના શિવુભા પ્રાગજી જાડેજાને કમાન સોંપાતા પક્ષમાં ચકચાર : સા.ન્યા.સમિતિના ચેરમેન પદે ચાંપશી સોધમની વરણી

કારોબારી ચેરમેનની વરણી મુદ્દે જિલ્લા પ્રમુખને રીપોર્ટ કરાશે સુપ્રત : ઘનશ્યામ ઠક્કર (મુન્દ્રા તાલુકા ભાજપ સહ પ્રભારી)

 

ચેરમેનના નામનું બંધ કવર જિલ્લા ભાજપ કાર્યાલયે પરત
મુન્દ્રા : તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનના નામ વાળું મેન્ડેટ લઈને સહપ્રભારી મુન્દ્રા પહોંચ્યા એથી પહેલા ચેરમેનની વરણી પણ થઈ હતી અને મિટિંગ પણ પુરી નખાઈ હતી, એટલું જ નહીં મેન્ડેટ સાથેના પત્રમાં બે સભ્યોએ જ સહી કરી હતી જ્યારે પાંચ સભ્યોએ ઈન્કાર કરી દીધો હતો. પરિણામે મેન્ડેટના બંધ કવર સાથે સહપ્રભારી ઘનશ્યામ ઠક્કર પરત આવ્યા હતા. આ ઘટનાક્રમને પરિણામે મેન્ડેટમાં શિવુભાનું જ નામ હતું કે, અન્ય કોઈનું? એ વાત ચર્ચાને ચગડોળે ચડી છે.

 

મુન્દ્રા : ભાજપ શાસિત મુન્દ્રા તાલુકા પંચાયતમાં પાર્ટીના મેન્ડેટ વગર જ કારોબારી ચેરમેનની નિમણૂંક કરાતા ભારે વિવાદ સર્જાયો છે. પક્ષમાં જ બે ઉભા ફાડીયાના પગલે એક જુથે પોતાનો ચોક્કો અજમાવી કારોબારી ચેરમેનની વરણી કરી દેતા શિસ્તબદ્ધ ભાજપ પક્ષની ભવાઈ સામે આવવા પામી છે.
આ અંગેની વિગતો મુજબ આજે મુન્દ્રા તાલુકા પંચાયતના કારોબારી તેમજ સામાજીક ન્યાય સમિતિના ચેરમેનની વરણી પ્રક્રિયા વેળાએ જિલ્લા કક્ષાએથી અપાયેલ મેન્ડેટ પૂર્વે જ કારોબારી ચેરમેન પદે શિવુભા પ્રાગજી જાડેજાની વરણી કરી દેવાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ બાબતે મુન્દ્રા તાલુકા ભાજપ સહપ્રભારી ઘનશ્યામ ઠક્કરે વિગતો આપતા જણાવ્યું કે, પાર્ટીના આદેશ વિરૂદ્ધ આ પ્રક્રિયા કરાઈ હોઈ તેનો રીપોર્ટ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને સુપ્રત કરવામાં આવશે અને તેઓ દ્વારા જે નિર્ણય લેવાશે તેને માન્ય ગણવામાં આવશે.
તો સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પદે પુનઃ ચાંપશીભાઈ સોધમની વરણી કરવામાં આવતા ઉપસ્થિતોએ તેને વધાવી લીધી હતી.
આ વેળાએ દશરથબા જાડેજા, રણજીતસિંહ જાડેજા, ડાયાલાલ આહિર, ખેંગાર ગઢવી, હકુમતસિંહ જાડેજા, ઈલાબા જાડેજા, મનોજબા અનિરૂદ્ધસિંહ જાડેજા, ઈન્દિરાબેન ડામોર, કીર્તિ ગોર, રવાભાઈ આહિર, વિજયસિંહ જાડેજા, ધીરૂભા જાડેજા, જયંતી દેઢિયા, બટુકસિંહ સોઢા, ચાંપશી સોધમ, ટીડીઓ શ્રી જોષી સહિતના ઉપસ્થિત રહયા હતા.