મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ

મુન્દ્રા : તાલુકાના મોટા કપાયા ગામે પાછલા લાંબા સમયથી દબાણકારોએ માથું ઉચક્યું હોઈ આજરોજ તંત્ર દ્વારા આવા તમામ દબાણો પર તવાઈ બોલાવતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની વિગતો મુજબ તાલુકાના સમૃદ્ધ એવા મોટા કપાયા ગામે સરકારી તેમજ પડતર જગ્યા પર દબાણકારોએ પગપેસારો કરી જમીન પર મોટા પ્રમાણમાં કબજો જમાવી લેતા આ અંગે પાછલા લાંબા સમયથી ફરિયાદો ઉઠી રહી હતી તેવામાં આજરોજ ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવ ઝુંબેશ આરંભાઈ હતી. વહેલી સવારથી જેસીબી સહિતના મશીનો દબાણો હટાવવા કામે લાગ્યા હતા. જેના લીધે અનેક લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો તો કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણ હટાવવા બાંહેધરી આપતા તેઓને આ દબાણ ત્રણ દિવસમાં દૂર કરવાની મહેતલ પણ આપવામાં આવી હતી.