મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના મુખ્ય ત્રણ ફરાર આરોપીઓની અંતે ધરપકડ

પશ્ચિમ કચ્છ પોલીસે ભાવનગર પોલીસની મદદથી ત્રણેય શખ્સોને ભાવનગરમાંથી
દબોચી લીધા

ભુજ : મુન્દ્રા પોલીસે ચોરીના શકમંદો તરીકે ત્રણ ગઢવી યુવાનો પર દમન ગુજારવામાં આવતા બે યુવાનોનું મોત નીપજ્યું હતું. જેમાં મુખ્ય ત્રણ આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે ભાવનગર પોલીસની મદદથી ભાવનગરમાંથી ઝડપી પાડ્યા છે. ચકચારી મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના પ્રકરણમાં પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા આરોપીઓને શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં અંતે પોલીસને સફળતા મળી છે. કચ્છ સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કેસમાં પોલીસને ભાગેડું ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ચકચારી કેસમાં ગુજરાત એટીએસ, પશ્ચિમ કચ્છ પોલીસ અને વિવિધ એજન્સીઓ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા છેલ્લા લાંબા સમયથી વ્યાયામ આદરાયો હતો. દરમિયાન પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘે જણાવ્યું હતું કે, મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના ભાગેડુ જાહેર કરાયેલા મુખ્ય ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ અને જયવીરસિંહ ઝાલાની ભાવનગરમાંથી ધરપકડ કરાઈ છે. એસપીએ વધુમાં ઉમેર્યું હતું કે, ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સની મદદથી આરોપીઓ ભાવનગરમાં હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ભાવનગર પોલીસની મદદ લઈને બે આરોપીઓને ભાવનગરથી એક હોટલમાંથી ઝડપી લેવાયા હતા અને અન્ય એક શખ્સ ભાવનગરમાંથી જ ઝડપાયો હતો. આ કેસમાં અગાઉ પણ મુન્દ્રાના પીઆઈ સહિત સમાઘોઘાના પૂર્વ સરપંચ સહિતના આરોપીઓની ધરપકડ કરાઈ ચૂકી છે. જ્યારે હતભાગી યુવાનો પર દમન ગુજારનાર મુખ્ય ત્રણ પોલીસ કર્મીઓ છેલ્લા લાંબા સમયથી પોલીસને હાથ લાગ્યા ન હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે સીઆરપીસીની કલમ ૭૦ મુજબનું વોરન્ટ પણ કોર્ટમાંથી મેળવ્યું હતું અને ત્રણેય આરોપીઓને ભાગેડુ જાહેર પણ કરાયા હતા. દરમિયાન પોલીસને આ ભાગેડુ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. નોંધનીય છે કે, મુન્દ્રા તાલુકાના સમાઘોઘામાં રહેતા ચારણ સમાજના બે યુવાનોને પોલીસ કસ્ટડીમાં થર્ડ ડિગ્રી ટોર્ચર આપવામાં આવતા બે યુવાનોનું મોત નિપજ્યું હતું. જે ઘટનાના સમગ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. સમગ્ર બનાવને કારણે પોલીસની છબી પણ ખરડાઈ છે ત્યારે પોલીસે વોન્ટેડ પોલીસ કર્મીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.