મુન્દ્રામાં શાકભાજી-ફળફળાદીના વેપારીઓ વચ્ચેના ખટરાગનો આવ્યો અંત

મુન્દ્રા : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મુંદરા દ્વારા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે શાકભાજી તેમજ ફળફળાદીની હરરાજીથી વેચાણ શરૂ કરવામાં આવતા મુંદરાના નગરજનો, વેપારીઓ અને તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. માર્કેટયાર્ડ ચાલુ થતા મુંદરા શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી હાશકારો થયો છે. પાંચેક જેટલા વેપારીઓ મુંદરા એપીએમસી મધ્યે હરરાજીમાં ભાગ લેવા તૈયાર નહોતા તેના કારણે શાકભાજી તથા ફુટના વેચાણ કરતા ખેડૂતોને ધર્મસંકટનો સામનો કરવો પડતો હતો. મુંદરાના વિકાસ અર્થે સતત પ્રત્યનશીલ એવા માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, તા.પં. પ્રમુખ ડાયાલાલ આહીર, પીઆઈ શ્રી ચૌહાણ તથા એપીએમસી ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા વગેરેની મધ્યસ્થી દ્વારા શાકભાજી તેમજ ફળફળાદીના વેપારીઓ વચ્ચે જે ખટરાગ હતો તેનો ઉકેલ લાવી સુખદ સમાધાન કરાવેલ છે. હવે તા.ર/પ/૧૮થી શાકભાજી તેમજ ફળફળાદીના તમામ વેપારીઓ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે હોલસેલ હરરાજી કરવા સહમત થઈ ગયેલ છે. એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજાએ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, તા.પં. પ્રમુખ ડાયાલાલ આહીર, પીઆઈ શ્રી ચૌહાણ તેમજ રવજીભાઈ, મન્સુરભાઈ વગેરે સર્વે વેપારી મિત્રોનો આભાર માન્યો હતો. ટુંક સમયમાં અનાજ, કપાસ તેમજ અન્ય ખેતપેદાશ જણશીઓનું વેચાણ માર્કેટયાર્ડ મધ્યે થાય તેવા સાતત્યપૂર્વકના પ્રયત્નો કરવામાં આવશે એવું એપીએમસીના સેક્રેટરી ગુલાબસિંહ જાડેજાએ તેમની યાદીમાં જણાવ્યું હતું.