મુન્દ્રામાં બે યુવાનો પર જીવલેણ હુમલો

અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી ઘાતક હથિયારોથી પ્રહારો કરી હત્યાનો કર્યો પ્રયાસ : ટોળા સામે નોંધાઈ ફોજદારી

મુન્દ્રા : શહેરમાં આવેલ ડાક બંગલાથી આગળ એસ્સાર પેટ્રોલપંપ પાસે બે યુવાનો ઉપર ટોળાએ મારક હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસ દ્વારા હુમલાવરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કલ્યાણ ઉર્ફે હરીભાઈ દેવરાજભાઈ ગઢવી (ઉ.વ.૩ર) (રહે. વૈભવપાર્ક મુન્દ્રા)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે હત્યાના પ્રયાસનો બનાવ ગતરાત્રીના સાડા દસથી પોણા અગિયારના અરસામાં ડાક બંગલાથી આગળ એસ્સાર પેટ્રોલપંપ પાસે બનવા પામ્યો હતો. અબ્દુલ્લ જકરીયા અને કમલેશ ગઢવી વચ્ચે ઝઘડો થયેલ તેનું મનદુઃખ રાખી આરોપીઓ અબ્દુલ્લ જકરીયા (રહે. મચ્છીપીઠ મુન્દ્રા) તથા તેની સાથે બીજા ૧૦થી ૧પ જાણ્યા શખ્સોએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર મંડળી બનાવી ધોકા, છરી, વિકેટ, લોખંડના પાઈપ જેવા ઘાતક હથિયારો ધારણ કરી ગાળો આપી કમલેશ ગઢવીનું મોત નિપજાવવા માટે માથામાં મારમારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી તથા તેઓના હાથમાં મારમારી અસ્થિભંગ સહિતની ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા મુન્દ્રા પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ૩ર૪, ૩રપ, ૩૦૭, પ૦૪ તથા જીપીએકટ કલમ ૧૩પ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા પીએસઆઈ ટી.એચ. પરમારે ચક્રો ગતિમાન કરેલાનું પીએસઓ રાજેશભાઈ કુંભાર વાડીયાએ જણાવ્યું હતું. મોડી રાત્રે થયેલા હુમલાના બનાવથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.