મુન્દ્રામાં પકડાયેલ ધાડપાડુ ટોળકીએ સમુન્દ્ર ટાઉનશીપના આઠ મકાનોની ચોરી કબુલી

બન્ને આરોપીઓ છ દિવસના રિમાન્ડ ઉપર : ભાગી છુટેલા શખ્સો પકડાયેથી અનેક ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવાની શકયતા

મુન્દ્રા : શહેરમાં આવેલ સમુન્દ્ર ટાઉનશીપમાં બે મકાનોમાંથી ચોરી કરી ભાગતા શખ્સોને પડકારતા સિક્યુરીટી ગાર્ડના બે સુરક્ષા કર્મીઓ ઉપર હુમલો કરી ત્રણ શખ્સો ભાગી છુટ્યા હતા જ્યારે બેને પકડી પાડ્યા હતા. પોલીસે બન્નેના છ દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સમુન્દ્રા ટાઉનશીપમાં બે મકાનોમાંથી ૧.૬૩ લાખની માલમતા ચોરી ભાગવા જતા પાંચ ધાડપાડુઓને સિક્યુરીટી ગાર્ડ પડકારતા બે સુરક્ષા કર્મીઓ ઉપર હુમલો કરી ત્રણ શખ્સો ભાગી છુટ્યા હતા. જ્યારે બે શખ્સોને પકડી પાડી પીઆઈ એમ.જે. જલુએ ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ૧.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો ભાગી છુટેલા ત્રણ શખ્સોને ઝડપી પાડવા પકડાયેલા શખ્સો કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૧૩/૧૧ સુધી છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓની પૂછતાછ ગત તા.ર-૧૦-૧૭ની રાત્રીના સમુન્દ્રા ટાઉનશીપમાં આઠ મકાનોને નિશાન બનાવ્યા હતા અને બે મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ ચોરી ગયાની કેફીયત આપી હતી. નાસી છુટેલા આરોપીઓ પકડાયેથી અનેક વણ શોધાયેલ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાઈ શકે તેમ છે.