મુન્દ્રામાં આરોગ્ય ખાતા દ્વારા તાલુકા ટાસ્ક ફોર્સની બેઠક મળી

સઘન મીશન ઈન્દ્રધનુષ-શાળા આરોગ્ય-પોલીયો અંગે જાણકારી અપાઈ

મુન્દ્રાઃ તાજેતરમાં પ્રાંત અધિકારી ડો.અવિનાશ કે.વસ્તાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયેલ તાલુકા ટાસ્ક ફોર્સની બેઠકમાં સઘન મીશન ઈન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત સમયસર નિયમિત રસી ન લેતા બાળકો રસી મુકાવે તે માટે તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, મુન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસર, મામલતદાર એ.જે.ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી એમ.જી.વાયડા તથા તાલુકાના અન્ય વિભાગોના અધિકારીઓ તથા પદાધિકારીઓ તથા સામાજીક અને ધાર્મિક આગેવાનોનો સાથ સહકાર મેળવી તાજા જન્મેલા થી ૪ વર્ષના તમામ બાળકો રસી લેતા થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વધુ વિગત આપતા તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિનેશ એસ.સુતરીયાએ જણાવ્યું હતું કે આગામી ૮મી જાન્યુઆરીથી શરૂ થતા સઘન મીશન ઈન્દ્રધનુષ કાર્યક્રમમાં ૧૦ ગામોમાં ૧૮ રસીકરણ સેસન દ્વારા ૮ર બાળકોને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીકમાં તાલુકામાં ૩૮ ટીમો દ્વારા ૩ર ગામોમાં ર૧ આંગણવાડી, ૪૬ પ્રા.શાળા અને ૪ માધ્યમિક શાળા મળીને કુલ ૭ર સંસ્થાઓના ૮૪૧૮ બાળકો તપાસવામાં આવ્યા છે. અને ર૭ ફેબ્રુઆરી સુધીમાં તાલુકાના તમામ બાળકોની તપાસણી કરવામાં આવશે. તથા ર૮ જાન્યુઆરીએ રાષ્ટ્રીય પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
મંજુર થયેલ ૧૩ પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે જમીન ફાળવવા માટે રજુઆત કરતા પ્રાંત અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ દ્વારા હકારાત્મક પ્રતિભાવ આપીને આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ કરવાની ખાત્રી આપી હતી. મીટીંગમાં તાલુકા આરોગ્ય ઓફીસના હરીભાઈ જાટીયા, પ્રકાશભાઈ ઠક્કર તથા શીતલ કંસારા સહયોગી રહ્યા હતા.