મુન્દ્રાનું શાસ્ત્રી મેદાન બન્યું યોગમય : રપ૦૦થી વધુ લોકો જોડાયા

મુન્દ્રા : ચોથા આંતરાષ્ટ્રિય યોગ દિવસની કચ્છના પેરીસ એવા મુન્દ્રા મધ્યે ઉજવણી કરવામાં આવી હતી, શાસ્ત્રી મેદાન ખાતે રપ૦૦ થી વધુ લોકોએ યોગાસન કરતા સમગ્ર વાતાવરણ યોગમય બન્યું હતું.
આ અંગેની વિગત મુજબ મુન્દ્રાના શાસ્ત્રી મેદાન ખાતે યોગ દિવસ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો શુભ સંદેશ સંભળાવવામાં આવ્યો હતો, ત્યારબાદ યોગ અભ્યાસમાં કોમન યોગા અને પ્રોટોકોલ સિડી ની માર્ગદર્શિકા પ્રમાણે યોગ અને યોગિક ક્રિયા ડૉ કેશુભાઈએ કરાવી હતી. મેદાનમાં ત્રણ હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ હતી. પ્રોગ્રામની વિગતો આપતા લાયઝન અધિકારી એસ.ડી. વ્યાસ અને પી.ડી. બાંભણીયા એ જણાવ્યું હતું કે ૧૧ સંસ્થાના ૧૦૭૨ વિદ્યાર્થીઓ, ૧૨૯૯ વિદ્યાર્થિનીઓ, ૧૩૨ કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાંં મુન્દ્રાના નગરજનો મળી ૨૫૦૦ થી વધુ લોકો મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતાં.
યોગ દિવસ નો શુભારંભ દીપ પ્રાગટય દ્વારા મુન્દ્રા માંડવીના પ્રાંત અધિકારી શ્રીવસ્તાની, મુન્દ્રા મામલતદારશ્રી વાઘેલા, મુંદ્રાના પી.આઈ શ્રી ચૌહાણ,શ્રી આરડી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ધર્મેન્દ્ર જેશર, માર્ગ મકાન વિભાગના શ્રી ખનડેરીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંદ્રા પીટીસી કૉલેજ ના અધ્યાપક રાજેન્દ્ર કુબાવતે યોગ આધારિત પુસ્તક ‘દરરોજ ઉજવીયે યોગ ડે’ ઉપસ્થિત તમામ સંસ્થાના પ્રિન્સીપાલ તથા પધાધિકારીઓને ભેટ અપાયુ હતું. કાર્યક્રમનું સંચાલન આરડી હાઈસ્કૂલના રાજીવ ત્રિવેદી દ્વારા કરાયું હતું.