મુન્દ્રાના લુણી પાસેથી ૩.૪૭ લાખનું શંકાસ્પદ ઓઈલ પકડી પાડતી એલસીબી

આર.પી.ઓ. ઓઈલ ભરેલ ૬૦ બેરલ તથા પાંચ લાખની ટ્રક સહિત ૮.૪૭ લાખનો મુદ્દામાલ કર્યો કબજે

 

મુન્દ્રા : તાલુકાના લુણી ગામે ત્રણ રસ્તા પાસેથી પશ્ચિમ કચ્છ એલસીબીએ શંકાસ્પદ ઓઈલના જથ્થા સહિત ૮.૪૭ લાખનો મુદ્દામાલ પકડી પાડયો હતો. ઓઈલનો જથ્થો કોનો છે.? તેને શોધી કાઢવા એલસીબીએ ચક્રો ગતિમાન કર્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસ.પી. એમ. એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ. જે. એન. પંચાલની સુચનાથી એલસીબી સ્ટાફ મુન્દ્રા તાલુકામાં પેટ્રોલીંગમાં હતો ત્યારે લુણી ગામ પાસે આવતા બાતમી આધારે હકીકત મળેલ છે. લુણી ગામના ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ ઓઈલનો જથ્થો ભરેલ ટ્રક પડેલ હોવાની સચોટ બાતમી આધારે સ્ટાફે છાપો મારી ટ્રક નંબર જી.જે.૦૪-એકસ. ૬૦૪૭ની તલાસી લેતા ટ્રકમાંથી આર.પી.ઓ. ઓઈલ ભરેલ ૬૦ બેરલો મળી આવ્યા હતા. જેનું વજન ૧૩,૮૮૦ કિલો ગ્રામ હોઈ કિંમત રૂ. ૩.૪૭ લાખ આંકવામાં આવેલ છે. જયારે પાંચ લાખની ટ્રક સહિત ૮.૪૭ લાખનો મુદ્દામાલ સીઆરપીસી કલમ ૧૦ર હેઠળ કબજે લઈ મુન્દ્રા મરીન પોલીસના હવાલે કર્યો હતો. ટ્રકના ચાલક મનુભાઈ લખુભાઈ જાકરા (રહે. રાજુલા જિલ્લો અમરેલી)ને પુછતાછ કરતા ઓઈલનો જથ્થો ડામર કામમાં વપરાતો હોવાનું તેમજ મુન્દ્રાના પ્રાગપરથી અદાણી બંદર જતા બાયપાસ રોડ પર આવેલ વાડામાંથી ભરેલ અને રાજુલા લઈ જતો હોવાનું જણાવ્યું હતું. તેના પાસે ઓઈલના જથ્થા અંગેના કોઈ આધાર પુરાવા ન હોઈ અને ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા મુળ સુધી પગેરૂં દબાવવા માટે એલસીબીએ તપાસ પોતાની પાસે રાખેલાનું મુન્દ્રા મરીન પોલીસે જણાવ્યું હતું. આ કામગીરી એલસીબી પી.આઈ. જે. એન. પંચાલની સીધી દેખરેખ હેઠળ સહાયક ફોજદાર નુરમામદ મંધરા તથા સ્ટાફે કરી હતી. તપાસ દરમ્યાન ઓઈલકાંડમાં અનેક મોટા માથાઓની સંડોવણી ખુલવાની શક્યતાઓ સેવાઈ રહી છે.