મુન્દ્રાના રતાડીયા ગામે પ્રા. આ. કેન્દ્ર ખૂલ્લું મૂકાયું : ૧૪ ગામોને મળશે લાભ

ઉદ્દઘાટન પ્રસંગે પીએચસીની સાફસફાઈ રાખવા સાંસદ વિનોદભાઈ ચાવડાની ટકોર

મુન્દ્રા : તાલુકાના રતાડીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખૂલ્લું મૂકતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ આવા ઋગ્ણાલયોને સ્વચ્છ રાખવા ટકોર કરી હતી. આ તકે અકસ્માતના સંજોગોમાં રૂા.પ૦ હજારની સહાય આપવાની રાજ્ય સરકારની જાહેરાતને આવકારી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર નાનામાં નાના ગામો અને લોકો સુધી વિકાસના કામો પહોંચે તે માટે કટિબદ્ધ છે. આ સુવિધાથી ગામડાના લોકોને શહેરો સુધી લાંબા થવું નહીં પડે. ભાજપની સરકાર પ્રજા માટે ચિંતિત છે. તે માટે અમૃત વાત્સલ્ય યોજના અંતર્ગત રૂા.ર લાખની સારવાર મફતમાં મળશે.
તેમણેે વધુમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ, આરોગ્ય વિષયક વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવા સાથે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિગતો વર્ણવતા કહ્યું હતું કે, એક કરોડ અને ત્રીસ લાખના ખર્ચે તૈયાર થયેલું રતાડિયાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત થતાં ર૦ હજારની વસતી ધરાવતા રતાડિયા ઉપરાંત લાખાસર, પ્રાગપર-૧, વિરાણીયા, મોટા કપાયા, ભોરારા, ગુંદાલા, રાધા, છસરા, મોખા, કુંદરોડી, બગડા, વાગુુરા, લફરા અને રતાડીયા એમ ચૌદ ગામોને તેની સેવાનો લાભ મળશે.
કચ્છ જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયાએ જણાવ્યું હતું કે, કોઈપણ દર્દીને નિઃશુલ્ક સારવાર આપવા જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર સહિત કેન્દ્રની સરકાર કટિબદ્ધ છે. મુન્દ્રાની અમૃત યોજના માટે મુન્દ્રાની અમેઆઈએમએસ હોસ્પિટલ દર્દીઓને ફ્રી સારવાર પૂરી પાડશે. આ પ્રસંગે આવેલા મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સાંસદ વિનોદ ચાવડા અને માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પીએચસી ખૂલ્લું મૂકાયું હતું.
કચ્છ જિ.પં. શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વાંકી, પત્રી અને રતાડીયા પીએચસી સેન્ટર શરૂ થવાથી નાના વર્ગને તાત્કાલિક સારવાર મળી રહેશે. રૂા.૧.૩૦ કરોડના ખર્ચે બનેલ પીએચસી સેન્ટર ગરીબ પ્રજા માટે આશીર્વાદરૂપ બની રહેશે.
ગામના ક્ષત્રિય અગ્રણી દિલાવરસિંહ જાડેજાએ સરકારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે માંડવી-મુન્દ્રા તાલુકાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા, જિલ્લા પંચાયત શિ. સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, મુન્દ્રા તાલુકા ભા.જ.પ. પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા, મુન્દ્રા તા.પં. પ્રમુખ રણજીતસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા કાર્યકારી પ્રમુખ ડાહયાલાલ આહીર, જિલ્લા ભા.જ.પ. મંત્રી મનીષાબેન કેશવાણી, કીર્તિભાઈ ગોર, મુન્દ્રા તાલુકા પંચાયત સદસ્ય શિવુભા પી. જાડેજા, રવાભાઈ આહીર, સરપંચ જેનાબેન કુંભાર, ગ્રા.પં. સા. ન્યા. ચેરમેન ચાંપશી સોધક, શક્તિસિંહ જાડેજા, વિશ્રામ ગઢવી, પ્રધ્યુમનસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, માંડણ રબારી, ગોવિંદ ધુવા, નશુભા જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડે, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.કે. ભાર્ગવ, જિલ્લા આઈ.ઈ.સી. અધિકારી પી.એન. શ્રીમાળી, ડીપીસી ડો. અંકિત યાદવ, ડીયુપીસી ડો.રોહિત રઘુવંશી તેમજ આજુબાજુના ગામના સરપંચો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્યની સેવાઓ અને યોજનાઓનો લાભ ગ્રામ્યજનોને મળશે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમારએ જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર જેસર અને એડવોકેટ રાજેશ રબારીએ કર્યું હતું.